કૉમનવેલ્થમાં કમબૅક વિશે હું અને કાર્તિક સંમત હતાં : દીપિકા

06 August, 2022 03:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટ‍્વિન્સ જન્મ્યા પછીની મોટી સ્પર્ધાની મિક્સ્ડ ડબલ્સમાં ઘોષાલ સાથેની જોડીમાં પહોંચી ક્વૉર્ટર ફાઇનલમાં

દીપિકા પલ્લીકલ પતિ દિનેશ કાર્તિક સાથે (ફાઇલ તસવીર)

બર્મિંગહૅમની કૉમનવેલ્થ ગેમ્સમાં ગુરુવારે ભારત માટે સ્ક્વૉશમાં મિશ્ર દિવસ હતો. વ્યક્તિગત ઇવેન્ટમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વનને હરાવીને ભારત માટે ઐતિહાસિક બ્રૉન્ઝ જીતનાર સૌરવ ઘોષાલ સાથેની જોડીમાં ગુરુવારે જાણીતી મહિલા ખેલાડી અને ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ કાર્તિકે મિક્સ્ડ-ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોશના ચિનપ્પા અને હરિન્દર સિંહની જોડી હારી ગઈ હતી, પરંતુ બધાની નજર દીપિકા-ઘોષાલની મૅચ પર હતી અને તેમણે વેલ્સનાં એમિલી વ્હિટલૉક અને પીટર ક્રીડની જોડીને પ્રી-ક્વૉર્ટરમાં ૨-૦ (૧૧-૮, ૧૧-૪)થી હરાવી હતી.

દીપિકા અને દિનેશ કાર્તિક જોડિયા પુત્રોના પેરન્ટ્સ છે. તેણે આ ટ્વિન્સ બૉય્‍સને જન્મ આપ્યા પછી એક વર્ષ કરતાં ઓછા સમયમાં ફરી રમવાની શરૂઆત કરી દીધી છે. તેણે ગુરુવારે પત્રકારોને કહ્યું કે ‘પહેલી વાર મમ્મી બનવાની મને જ્યારે જાણ થઈ ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હું બ્રેક પછી પાછી રમવા જઈશ જ. ત્યારે હું ૨૭ વર્ષની હતી એટલે મેં વિચાર્યું હતું

કે હજી મારે ઘણું રમવાનું છે. મેં અને મારા પતિએ નક્કી કર્યું હતું કે આપણે આપણી ફૅમિલીની શરૂઆત જરૂર કરવાની, પણ પોતપોતાના પ્રોફેશનને નહીં છોડવાનું. ૨૦૨૨ની કૉમનવેલ્થ ગેમ્સમાં મારે કોઈ પણ રીતે કમબૅક કરવું છે એવું મેં દિનેશને કહેલું ત્યારે તે મારી સાથે પૂરેપૂરો સહમત હતો.’ દીપિકા-દિનેશે ટ્વિન્સનાં નામ કબીર અને ઝિયાન રાખ્યાં છે. કૉમનવેલ્થ શરૂ થવાનાં થોડાં અઠવાડિયાં પહેલાં દીપિકા અને ઘોષાલની જોડી વર્લ્ડ ડબલ્સમાં ગોલ્ડ જીતી હતી, જ્યારે મહિલા ડબલ્સમાં દીપિકાએ જોશના ચિનપ્પા સાથે મળીને વિજેતાપદ મેળવ્યું હતું.

sports sports news commonwealth games