ડી. ગુકેશ કૅન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતનાર યંગેસ્ટર પ્લેયર બન્યો

23 April, 2024 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૭ વર્ષની ઉંમરથી ચેસ રમનાર ૧૭ વર્ષના ગુકેશે આ જીત સાથે રશિયાના ગૅરી કાસ્પારોવનો ૪૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

ડી. ગુકેશ

ચેન્નઈમાં જન્મેલા ડી. ગુકેશે કૅન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય ગ્રૅન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ (૨૦૧૪) બાદ તે આ ટુર્નામેન્ટ જીતનાર બીજો ભારતીય બન્યો છે. આ જીત સાથે ગુકેશ કૅન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે. આ જીત સાથે ભારતીય સ્ટારે ૪૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. ગુકેશ પહેલાં સૌથી નાની ઉંમરે ઉમેદવારોની ચેસ ટુર્નામેન્ટ જીતવાનો રેકૉર્ડ રશિયાના ગૅરી કાસ્પારોવના નામે હતો, જેણે ૧૯૮૪માં પોતાના જ દેશના નાતોલી કાર્પોવને પડકારવા માટે ક્વૉલિફાય કર્યું હતું. એ સમયે કાસ્પારોવ બાવીસ વર્ષનો હતો. 

ટુર્નામેન્ટ જીતવા માટે ગુકેશ છેલ્લા રાઉન્ડમાં અમેરિકાના હિકારુ નાકામુરા સાથે ડ્રૉ રમ્યો હતો. ગુકેશે ટુર્નામેન્ટમાં ૧૪માંથી ૯ પૉઇન્ટ મેળવ્યા હતા. જે ખેલાડીઓ વિશ્વ ચૅમ્પિયનને પડકાર આપવા માગે છે તેમના માટે ઉમેદવારોની ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ગુકેશને આ વર્ષના અંતમાં ચીનના વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન ડિંગ લિરિન સામે રમવાની તક મળશે. ૭ વર્ષની ઉંમરથી ચેસ રમનાર ગુકેશના પિતા રજનીકાંત કાન, નાક અને ગળાના સર્જ્યન છે. તેની માતા પદ્‍‍મ માઇક્રોબાયોલૉજિસ્ટ છે. 

ચેન્નઈથી જ કેમ આવી રહ્યા છે ચેસ ચૅમ્પિયન? 
૨૦૧૩માં તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જે. જયલલિતા દ્વારા શાળાઓમાં ‘૭ ટૂ ૧૭  પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ બાળકને ચેસમાં સારું પ્રદર્શન કરીને અભ્યાસમાં પણ હોશિયાર બનાવવામાં આવે છે. આર. પ્રજ્ઞાનંદ અને ગુકેશ જે ઇન્સ્ટિટ્યૂટમાંથી ચેસમાં સ્નાતક થઈને ચૅમ્પિયન બન્યા એ વેલામલ ઇન્સ્ટિટ્યૂટને ચેન્નઈમાં ચેસ ક્રાન્તિ લાવવાનો શ્રેય જાય છે. ચેન્નઈમાં હાલમાં ૬૦ માન્ય ચેસ ઍકૅડેમી છે. આ ઍકૅડેમીમાંથી ભવિષ્યમાં પણ અનેક ગ્રૅન્ડમાસ્ટર બહાર આવશે.

sports news sports chess viswanathan anand