મેન્સ ડબલ્સની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફીથી એક ડગલું દૂર બોપન્ના

26 January, 2024 06:45 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

સંઘર્ષપૂર્ણ સેમી ફાઇનલમાં જીત સાથે ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પ્રવેશ : આવતી કાલે જીતશે તો સૌથી મોટી ઉંમરનો મેન્સ ડબલ્સ ચૅમ્પિયન બનશે

રોહન બોપન્ના

‍મેલબર્ન‍ : ભારતના ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ પોતાનું ફૉર્મ જાળવી રાખીને વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ગઈ કાલે સેમી ફાઇનલમાં ભારત-ઑસ્ટ્રેલિયન જોડી બોપન્ના અને મૅથ્યુ એબ્ડનની સેકન્ડ સીડેડ જોડીએ ચેક રિપબ્લિકના ટોમસ મૅચેક અને ચીનના ઝેન્ગ ઝિન્ગને ત્રણ સેટની સંઘર્ષપૂર્ણ ટક્કરમાં ૩-૬, ૬-૩, ૭-૬ (૧૦-૭)થી પરાસ્ત કરી હતી. આ સાથે બોપન્ના-એબ્ડને સતત બીજી મેન્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ જોડી ગયા વર્ષની છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ યુએસ ઓપનની ફાઇનલમાં પણ પહોંચી હતી.

બુધવારે ક્વૉર્ટર ફાઇનલમાં જીત સાથે ૪૩ વર્ષના બોપન્નાએ ઇતિહાસ રચ્યો હતો. સેમી ફાઇનલમાં પ્રવેશ સાથે એ વર્લ્ડ મેન્સ ડબલ્સ ખેલાડીઓના રૅન્કિંગ્સમાં નંબર-વનનું સ્થાન પાક્કું કરી લીધું હતું. સોમવારે જાહેર થનારા રૅન્કિંગ્સમાં બોપન્ના નંબર વનનું સ્થાન મેળવી લેશે અને આ સ્થાને બિરાજમાન થનાર તે સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનશે. જો બોપન્ના આવતી કાલે ચૅમ્પિયન બનશે તો એ તેની બીજી ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી હશે. આ પહેલાં ૨૦૧૭માં ફ્રેન્ચ ઓપનની મિક્સ્ડ ડબલ્સમાં ચૅમ્પિયન બન્યો હતો. 

વધુ એક ઇતિહાસ રચવાની તક
બોપન્ના-એબ્ડનની નંબર વન જોડી હવે આવતી કાલે ફાઇનલમાં ઇટાલિયન જોડી ઍન્ડ્રિયા વાવાસોરી અને સિમોન બોલેલી સામે ટકરાશે. જો ફાઇનલમાં પણ તેઓ તેમની કમાલ જાળવી રાખશે તો બોપન્ના વધુ એક ઇતિહાસ રચશે. ચૅમ્પિયન બનીને બોપન્ના ગ્રૅન્ડ સ્લૅમમાં સૌથી મોટી ઉમરનો મેન્સ ડબલ્સનો વિજેતા બનશે. અત્યારે આ રેકૉર્ડ ડચ ખેલાડી જીન-જુલિયન રૉજરના નામે છે. તેણે ૨૦૨૨ની ફ્રેન્ચ ઓપનમાં ૪૦ વર્ષ ૯ મહિનાની વયે મેન્સ ડબલ્સ જીતીને આ રેકૉર્ડ કર્યો હતો. ભારતનો લિએન્ડર પેસ પણ ૨૦૧૩ની યુએસ ઓપનમાં ૪૦ વર્ષ બે મહિનાની ઉંમરે ચૅમ્પિયન બન્યો હતો. 

મહિલા ફાઇનલમાં સબાલેન્કા વર્સસ ઝેન્ગ


ઑસ્ટ્રેલિયન ઓપનની મહિલા સિંગલ્સની લાઇનઅપ ગોઠવાઈ ગઈ છે. આવતી કાલે જામનારા આ જંગમાં ચીનની ૧૨મા ક્રમાંકની ઝૅન્ગની ટક્કર બેલારુસની બીજા ક્રમાંકિત અને હાલની ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયન ઍરીના સબાલેન્કા વચ્ચે ટક્કર જામશે. પ્રથમ સેમી ફાઇનલમાં સબાલેન્કાએ ચોથા ક્રમાંકિત અમેરિકન ખેલાડી કોકો ગૌફને ૭-૬, ૬-૪થી પરાસ્ત કરી હતી, જ્યારે બીજી સેમી ફાઇનલમાં ઝેન્ગ કિનવેને ક્યુન્વેને યુક્રેનની બિનક્રમાંકિત ડાયના યાસ્ત્રેમ્સ્કાને પણ સીધા સેટમાં ૬-૪, ૬-૪થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 
સબાલેન્કા સતત બીજા વર્ષે ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચી છે. ગયા વર્ષે ફાઇનલમાં સબાલેન્કા કઝાકિસ્તાનની એલીના રબાકિનાને હરાવીને તેનું પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી હતી.

sports news sports rohan bopanna australian open