22 September, 2023 09:48 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
એશિયન ગેમ્સમાં ભાગ લેવા આવેલા ભારતના સ્પર્ધકો
આયોજકોએ જણાવ્યા પ્રમાણે એશિયન ગેમ્સમાં ૧૨,૦૦૦ કરતાં વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે, જે આવતા વર્ષે ફ્રાન્સમાં આયોજિત થનાર પૅરિસ ઑલિમ્પિક કરતાં પણ વધુ છે. અહીં કુલ ૧૦,૫૦૦ સ્પર્ધકો ભાગ લેશે. સ્પર્ધકોની સંખ્યા વધુ હોવાનું કારણ એશિયન ગેમ્સમાં રમાતી વિવિધ પ્રાદેશિક રમતો છે. આ રમતો ઑલિમ્પિક્સમાં પણ જોવા મળતી નથી. એશિયન ગેમ્સમાં ક્રિકેટ છે, ૨૦૨૮માં અથવા ૨૦૩૨માં કદાચ ક્રિકેટની રમતને ઑલિમ્પિક્સમાં સ્થાન મળી શકે છે. બીજી રમત સ્કવૉશ છે, જે ઘણા સમયથી ઑલિમ્પિકમાં માન્યતા મેળવવા તૈયાર છે. આ ઉપરાંત પ્રાદેશિક રીતે લોકપ્રિય ડ્રૅગન બોટ રેસિંગ, કિલ વૉલીબૉલ, ચાઇનીઝ માર્શલ આર્ટ અને કબડ્ડી જેવી રમત છે. ભારતીય ઉપમહાખંડમાં કબડ્ડી ઘણી લોકપ્રિય છે.
એશિયન ગેમ્સમાં કુલ ૪૮૧ ઇવેન્ટ યોજાશે. એટલા જ મેડલ જીતવાની સ્પર્ધકોને તક છે. એશિયન ગેમ્સમાં છેલ્લાં ૪૦ વર્ષથી ચીનનો દબદબો છે. ત્યાર બાદ જપાન અને સાઉથ કોરિયાનું નામ આવે છે. નૉર્થ કોરિયાના ૧૯૧ સ્પર્ધકો પણ રમવા આવશે. કોરોનાને કારણે એશિયન ગેમ્સ ગયા વર્ષે આયોજિત નહોતી કરી શકાઈ. ભારત અને પાકિસ્તાનની મેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે ૭ ઑક્ટોબરે ગોલ્ડ મેડલની ફાઇનલ રમાય એવી શક્યતા છે.