05 October, 2026 02:19 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
ટ્રૅપ શૂટર નીરુ ઢાંડા ક્લોઝિંગ સેરેમનીમાં ભારતની ફ્લૅગબેરર હતી
એશિયન ગેમ્સ જપાનના આઇચી-નાગોયાના મિઝુહો પાર્ક ઍથ્લેટિક્સ સ્ટેડિયમ ખાતે રંગારંગ ક્લોઝિંગ સેરેમની સાથે સમાપ્ત થઈ હતી. બે અઠવાડિયાંથી વધુ સમય સુધી ચાલેલી તીવ્ર સ્પર્ધાઓમાં ઓછામાં ઓછા ૫૦ વર્લ્ડ રેકૉર્ડ સહિત ૩૫૦થી વધુ વિક્રમો નોંધાયા હતા. શરૂઆતમાં આ રમતોત્સવને લૉજિસ્ટિકલ સમસ્યાઓ અને ગેરવહીવટ જેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
૯૦ મિનિટ સુધી ચાલેલા સમાપન સમારોહમાં વન એશિયાના સંદેશ સાથે તૈયાર કરાયેલો ષટ્કોણીય મંચ હતો.જપાનનો પરંપરાગત ડાન્સ બોન-ઓડોરી, લેસર લાઇટ શો, ધ્વજ ફરકારવતા રોબોટિંગ આર્મ અને ઑલિમ્પિક્સ કાઉન્સિલ ઑફ એશિયાના ફ્લૅગ સાથેનો કતરનો ઘોડેસવાર મુખ્ય આકર્ષણનાં કેન્દ્રો બન્યા હતા.
ઑલિમ્પિક્સ કાઉન્સિલ ઑફ એશિયાના પ્રમુખ શેખ જોઆન બિન હમાદ અલ-થાનીએ જપાનના ક્રાઉન પ્રિન્સ અને ક્રાઉન પ્રિન્સેસ અકિશિનોની હાજરીમાં ગેમ્સના સમાપનની જાહેરાત કરી હતી. ૨૦૩૦માં એશિયન ગેમ્સ કતરના દોહામાં યોજાવાની હોવાથી ઑફિશ્યલ ફ્લૅગ કતરના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીને સોંપવામાં આવ્યો હતો.
ટ્રૅપ શૂટર નીરુ ઢાંડાના નેતૃત્વમાં સફેદ અને વાદળી રંગની કિટ પહેરેલા લગભગ ૩૦ ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓએ તિરંગો લહેરાવીને ઍથ્લીટ્સ પરેડમાં ભાગ લીધો હતો.