03 October, 2023 04:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચીનમાં ગઈ કાલે રોલર સ્કેટિંગમાં ભારતને ઐતિહાસિક કાંસ્ય જીતનાર પુરુષોની ટીમ
એમબીબીએસ ભણેલી અને ચેન્નઈમાં રહેતી ૨૯ વર્ષની ડૉ. આરતી કસ્તુરી રાજે ગઈ કાલે ચીનની એશિયન ગેમ્સમાં ભારતને રોલર સ્કેટિંગમાં ૩૦૦૦ મીટર ટીમ રિલે હરીફાઈમાં ટીમ-બ્રૉન્ઝ અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સંજના બથુલા, કાર્તિ જગદીશ્વરન અને હીરલ સાધુ કરતાં આરતીનો પર્ફોર્મન્સ વધુ ધ્યાનાકર્ષક હોવાનું કારણ એ હતું કે તેને હજી ચાર જ મહિના પહેલાં કપાળ પર ગંભીર ઈજા થઈ હતી એમ છતાં તે ફિટ થઈને એશિયન ગેમ્સમાં આવી અને ભારતને ચંદ્રક અપાવ્યો.
એશિયન ગેમ્સની મહિલાઓની રોલર સ્કેટિંગમાં ભારતનો આ પહેલો જ ચંદ્રક છે. અગાઉ ૨૦૧૦માં ભારતે આ રમતની સ્પર્ધામાં બે મેડલ પુરુષોની હરીફાઈમાં જીત્યા હતા. ગઈ કાલે ભારતીય મહિલાઓની ટીમે રોલર સ્કેટિંગમાં ૩૦૦૦ મીટર રિલે ૪ઃ૩૪.૮૬૧ના ટાઇમિંગ સાથે પૂરી કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ચાઇનીઝ તાઇપેઇની ટીમ ગોલ્ડ મેડલ (૪ઃ૧૯.૪૪૭) અને સાઉથ કોરિયાની ટીમ સિલ્વર મેડલ (૪ઃ૨૧.૧૪૬) જીતી હતી.
ભારતીય મહિલા ટીમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર અભિનંદન પાઠવ્યાં હતાં.
કરીઅર દરમ્યાન દેશ-વિદેશમાં નાના-મોટા ૧૦૦થી પણ વધુ મેડલ જીતી ચૂકેલી અને એક સમયે વર્લ્ડ નંબર-ફાઇવ રહી ચૂકેલી આરતી મે મહિનામાં આકસ્મિક ઘટનામાં પડી ગઈ હતી અને તેના કપાળ પર ૨૦ કાપા પડી ગયા હતા, જેને કારણે તેણે કુલ ૨૬ ટાંકા લેવડાવવા પડ્યા હતા. જોકે એ ગંભીર ઈજા છતાં તેણે સાજા થયા બાદ ફરી પ્રૅક્ટિસ શરૂ કરી હતી અને એશિયન ગેમ્સમાં મેડલ-વિનિંગ પર્ફોર્મ કર્યું. આરતીના પપ્પા સી. કસ્તુરી રાજ બિઝનેસમૅન અને મમ્મી માલા રાજ ગાયનેકોલૉજિસ્ટ છે.
આરતીનાં મમ્મીની પોતાની હૉસ્પિટલ છે, જે ચલાવવામાં આરતી તેમને મદદ કરે છે. એશિયન ગેમ્સ બાદ હવે તે ઘરે પાછી ફરીને હૉસ્પિટલમાં મમ્મીને મદદ કરવાનું શરૂ કરી દેશે. આરતીએ ગઈ કાલે પી.ટી.આઇ.ને કહ્યું હતું કે ‘મારી મમ્મીની જેમ મેં પણ એમબીબીએસ કર્યું છે. મને રોલર સ્કેટર બનાવવામાં તેમનું બહુ મોટું યોગદાન છે. હું ચેન્નઈ પાછી પહોંચીને હૉસ્પિટલમાં મમ્મીને ફરી મદદ કરવાનું શરૂ કરી દઈશ.’
3000
ગઈ કાલે રોલર સ્કેટિંગમાં પુરુષોની આટલા મીટરની ટીમ રિલેમાં પણ ભારત બ્રૉન્ઝ જીત્યું હતું. ટીમમાં આર્યનપાલ ઘુમાન, આનંદકુમાર વેલકુમાર, સિદ્ધાંત કાંબળે, વિક્રમ ઇંગળેનો સમાવેશ હતો.
ક્રિકેટર સંદીપ વૉરિયર છે આરતીનો હસબન્ડ
ભારત વતી અેકમાત્ર ટી૨૦ રમી ચૂકેલો તેમ જ ડોમેસ્ટિક ક્રિકેટમાં તામિલનાડુ વતી અને આઇપીઅેલમાં મુંબઈ, કલકત્તા, બૅન્ગલોરની ટીમ વતી રમનાર મિડિયમ પેસ બોલર સંદીપ વૉરિયર ગઈ કાલે ભારતને રોલર સ્કેટિંગમાં અૈતિહાસિક ચંદ્રક અપાવનાર ડૉ. આરતી કસ્તુરી રાજનો પતિ છે. સંદીપ-આરતીઅે ઘણાં વર્ષો સુધીની રિલેશનશિપ બાદ ૨૦૧૯માં લગ્ન કર્યાં હતા. સંદીપ ગઈ કાલે આરતીના પર્ફોર્મન્સથી બેહદ ખુશ હતો. તેણે આરતી વિશે કહ્યું હતું કે ‘છેલ્લા છ-સાત વર્ષમાં તેણે ઘણો સંઘર્ષ કર્યો અેમ છતાં તે હિંમત નહોતી હારી અને હવે તેણે દેશને અેશિયન ગેમ્સનો મેડલ અપાવ્યો છે.’