ઍન્ડી મરે સવારે ૪ વાગ્યે જીત્યો, મોટો ભાઈ જૅમી એક જ દિવસમાં હાર્યા પછી જીત્યો

21 January, 2023 11:11 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચૅમ્પિયનશિપમાં છેલ્લા બે દિવસ દરમ્યાન ઇંગ્લૅન્ડના ટોચના બે ખેલાડીઓ ઍન્ડી મરે અને તેના મોટા ભાઈ જૅમી મરેની મૅચોમાં ભારે ઉતારચડાવ જોવા મળ્યાં હતાં.

જૅમી મરે

મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચૅમ્પિયનશિપમાં છેલ્લા બે દિવસ દરમ્યાન ઇંગ્લૅન્ડના ટોચના બે ખેલાડીઓ ઍન્ડી મરે અને તેના મોટા ભાઈ જૅમી મરેની મૅચોમાં ભારે ઉતારચડાવ જોવા મળ્યાં હતાં. એટલું જ નહીં, બન્નેએ નવા રાઉન્ડમાં જવા માટે ખૂબ સંઘર્ષ પણ કરવો પડ્યો છે.
ગુરુવારે મૅચ શરૂ, શુક્રવારે થઈ પૂરી
સિંગલ્સનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ઍન્ડી મરે મંગળવારે પહેલા રાઉન્ડમાં ઇટલીના મૅટિયો બેરેટિની સામે ૪ કલાક અને ૪૯ મિનિટ સુધી ચાલેલી મૅચમાં છેવટે જીત્યો ત્યાર બાદ ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના જ થાનાસી કૉકિનાકિસ સામેની તેની મૅચ પાંચ કલાક અને ૪૫ મિનિટ સુધી ચાલી હતી અને છેવટે ઍન્ડી મરે જીતી ગયો હતો. મરેનો ૪-૬, ૪-૭, ૭-૫, ૬-૩, ૭-૫થી વિજય થયો હતો. તેમની મૅચ ગુરુવારે રાતે ૧૦.૨૦ વાગ્યે શરૂ થઈ હતી અને પોણાછ કલાક સુધી ચાલ્યા બાદ શુક્રવારે સવારે ૪.૦૫ વાગ્યે પૂરી થઈ હતી.
સિંગલ્સના બે ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલા ૩૫ વર્ષના ઍન્ડી મરેની કરીઅરની આ સૌથી લાંબી મૅચ હતી. પોતાને સવારે ૪.૦૦ વાગ્યા સુધી રમવું પડ્યું એ બદલ ઍન્ડી મરેએ સ્પર્ધાના શેડ્યુલને ટાર્ગેટ બનાવીને એને ફારસ ગણાવ્યું હતું.

આ પણ વાંચો: ટેનિસમાં સ્પેનના કાર્લોસ અલ્કારેઝનો હારતાં પહેલાં રેકૉર્ડ

જૅમી મરેની દિવસમાં બે મૅચ
૩૬ વર્ષનો જૅમી મરે ગઈ કાલે ડબલ્સમાં બીજા રાઉન્ડની મૅચ હાર્યા પછી મિક્સ્ડ-ડબલ્સમાં ફર્સ્ટ રાઉન્ડનો મુકાબલો જીતી ગયો હતો. જૅમી મરે અને ન્યુ ઝીલૅન્ડના માઇકલ વિનસનો એસ્કોબાર-બ્રિકિચ સામે ૫-૭, ૪-૬થી પરાજય થયો. જૅમી અને ટેલર ટાઉનસેન્ડે કર્સ્ટન ફ્લિપકેન્સ અને એડુઆર્ડો રૉજર-વૅસેલિનની જોડીને ૬-૨, ૩-૬, ૧૦-૭થી પરાજિત કરી દીધી હતી.

પેગુલા, ગૉફ, સ્વૉનટેક જીતી
ઑસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા વર્ગમાં નંબર-થ્રી સીડ અમેરિકાની જેસિકા પેગુલાએ ત્રીજા રાઉન્ડમાં યુક્રેનની માર્ટા કૉસ્ત્યુકને ૬-૦, ૬-૨થી, અમેરિકાની જ સેવન્થ-સીડેડ ખેલાડી ૧૮ વર્ષની કોકો ગૉફે બર્નાર્ડા પેરાને ૬-૩, ૬-૨થી અને પોલૅન્ડની વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉનટેકે સ્પેનની ક્રિસ્ટિના બુક્સાને ૬-૦, ૬-૧થી હરાવીને ફૉર્થ રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. સ્વૉનટેકે હવે એમાં ડિફેન્ડિંગ વિમ્બલ્ડન ચૅમ્પિયન એલેના રબાકિના સામે રમવાનું છે.

ઑસ્ટ્રેલિયન ઓપનનું શેડ્યુલ ખેલાડીઓ માટે કેટલું બધું અપમાનજનક કહેવાય. મૅચ સવારે ૪ વાગ્યા સુધી ચાલે છે અને અમે એટલી હદે પરેશાન થયા કે અમને બાથરૂમ પણ નહોતું જવા મળ્યું. જો મારો પુત્ર બૉલ-કિડ હોત તો સવારે પાંચ વાગ્યે ઘરે આવ્યો હોત અને ત્યારે હું હજી સૂતો હોત. આવું શેડ્યુલ ખેલાડીઓ, અમ્પાયરો અને અધિકારીઓ માટે પણ ઠીક ન કહેવાય. પ્રેક્ષકો પણ કંટાળી જાય.
ઍન્ડી મરે

sports news melbourne australia tennis news