09 June, 2026 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રેક દરમ્યાન ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેતો ઍલેક્ઝૅન્ડર ઝ્વેરેવ, ઍલેક્ઝૅન્ડર ઝ્વેરેવ ફૅમિલીના સભ્યો અને ડૉગીઓ સાથે જીતની ઉજવણી કરી
પૅરિસમાં આયોજિત ફ્રેન્ચ ઓપનની મેન્સ સિંગલ્સની ફાઇનલ મૅચમાં વર્લ્ડ નંબર-થ્રી જર્મન ખેલાડી ઍલેક્ઝૅન્ડર ઝ્વેરેવે બાજી મારી હતી. તેણે ઇટલીના ૨૪ વર્ષના ફ્લેવિયો કોબોલી સામે ૬-૧, ૪-૬, ૬-૪, ૬-૭, ૬-૧ની સ્કોરલાઇન સાથે જીત નોંધાવીને પહેલું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યું હતું. ચોથી વખત કોઈ ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટની ફાઇનલ રમી રહેલો ઍલેક્ઝૅન્ડર ઝ્વેરેવ ૮૯ વર્ષ બાદ ફ્રેન્ચ ઓપન જીતનાર પ્રથમ જર્મન ખેલાડી બન્યો છે.
ફ્રેન્ચ ઓપન ફાઇનલ દરમ્યાન ઍલેક્ઝૅન્ડર ઝ્વેરેવ ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેતો જોવા મળ્યો હતો. ૪ વર્ષની ઉંમરથી તે ટાઇપ 1 ડાયાબિટીઝ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. મૅચ દરમિયાન તે નિયમિતપણે તેના ઇન્સ્યુલિન લેવલની તપાસ કરે છે અને જરૂર પડ્યે પોતાને બ્રેક દરમ્યાન ઇન્જેક્શન આપે છે.
ક્યારેક ખેલાડીઓ જે મહેનત કરે છે એનું ફળ ટેનિસની રમતમાં ઘણું મોડેથી મળે છે. ઍલેક્ઝૅન્ડર ઝ્વેરેવને તેનું પહેલું ગ્રૅન્ડ સ્લૅમ જીતતો જોઈને સારું લાગ્યું. હું હંમેશાં માનતો હતો કે તે એક ખાસ ખેલાડી છે.
- ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર