04 June, 2023 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાંસકૂદના ખેલાડીઓના બામ્બુ લઈ જવાની ઍરલાઇન્સે ના પાડી
આજથી સાઉથ કોરિયાના યેચેઓનમાં એશિયન અન્ડર-૨૦ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ શરૂ થશે, પરંતુ ઍરલાઇન્સે વાંસકૂદના બે ખેલાડીના બામ્બુ લઈ જવાની ના પાડતાં તેઓ કદાચ આ સ્પર્ધામાં ભાગ લઈ નહીં શકે. ઍર ઇન્ડિયા તેમ જ સાઉથ કોરિયાની ઍરલાઇન્સ બામ્બુની લંબાઈ વધુ હોવાથી એ લઈ જઈ શકી નહોતી. દેવ કુમાર મીના (પુરુષોની વાંસકૂદ) અને સુનીલ કુમાર (ડિકેથલોન, જેમાં વાંસકૂદનો પણ સમાવેશ થાય છે.) તેઓ શુક્રવારે મોડી રાત્રે સીઓલ જવા નીકળ્યા હતા, પરંતુ ઍર ઇન્ડિયાએ એમના બામ્બુ લઈ જવાની ના પાડી હતી. બામ્બુઓની લંબાઈ પ મીટરની હોવાને કારણે ટેક્નિકલ કારણસર એને લઈ જવાની ના પાડી હતી. બન્ને ખેલાડી તો સાઉથ કોરિયા પહોંચી ગયા, પરંતુ એમના ફાઇબર ગ્લાસ અથવા તો કાર્બન ફાઇબરમાંથી બનાવવામાં આવેલા બામ્બુ દિલ્હી ઍરપોર્ટ પર જ રહ્યા હતા. ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના અધિકારીઓએ કહ્યું હતું કે હવે અમે ફેડ્રેક્સ એક્સપ્રેસ કાર્ગો ફ્લાઇટ દ્વારા આ બામ્બુઓને કોરિયા મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.