06 December, 2025 01:10 PM IST | Peru | Gujarati Mid-day Correspondent
ફુટબૉલ મૅચની લાઇવ કૉમેન્ટરી કરનાર પેરુનો ૧૫ વર્ષનો ટેણિયો દુનિયાભરમાં છવાઈ ગયો
વાઇરલ થયા બાદ નૅશનલ ટીવી પર ચમક્યો, હવે ચૅમ્પિયન્સ લીગ મૅચને કવર કરવા માટે સ્પેન જશે પેરુનો ૧૫ વર્ષનો પોલ ડેસ્પોર્ટેસ ટેકરીની ટૉપ પરથી કૉમેન્ટરી કરીને આખી દુનિયામાં છવાઈ ગયો છે. લાંબું અંતર કાપીને એસ્ટાડિયો મૉન્યુમેન્ટલ સ્ટેડિયમમાં તે કોપા લિબર્ટાડોરસ ટુર્નામેન્ટની ફાઇનલ જોવા પહોંચ્યો, પરંતુ તેની પાસે ટિકિટ ન હોવાને કારણે એન્ટ્રી મળી નહોતી. જોકે કૉમેન્ટરીના શોખીન આ ટેણિયા ફુટબૉલફૅને સ્ટેડિયમ પાસેની ટેકરીની ટૉપ પર જઈને ફક્ત તેના ફોન અને માઇક્રોફોનનો ઉપયોગ કરીને લાઇવ સ્ટ્રીમિંગ પર કૉમેન્ટરી કરી હતી.
સોશ્યલ મીડિયા પર ક્લાઇવર હુઆમન નામે જાણીતા આ છોકરાનો વિડિયો વાઇરલ થતાં તેને પેરુના નૅશનલ સ્ટેડિયમમાં એક સ્થાનિક મૅચ દરમ્યાન નૅશનલ ટેલિવિઝન પર કૉમેન્ટરી કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેણે પોતાના અવાજ, જુસ્સા અને ટૅલન્ટથી ફુટબૉલ-ફૅન્સને પ્રભાવિત કર્યા હતા. તેને તરત જ યુરોપની પ્રખ્યાત ચૅમ્પિયન્સ લીગમાં રિયલ માડ્રિડ-મૅન્ચેસ્ટર સિટી જેવી મોટી ટીમની મૅચ કવર કરવા સ્પેન જવાની તક મળી છે. આગામી ૧૧ ડિસેમ્બરે તે ઇન્ટરનૅશનલ લેવલ પર ચમકતો જોવા મળશે.