ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

15 August, 2021 04:08 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ઉન્મુક્ત ચંદે કર્યો સિલિકૉન વૅલી સ્ટ્રાઇક ટીમ સાથે કરાર; સૌરવ ગાંગુલીના ભાઈ હૉસ્પિટલમાં અને વધુ સમાચાર

સૌરવ ગાંગુલી

 

ભારતીય મહિલા ટીમ જીતી વર્લ્ડ આર્ચરી યુથ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ

પોલૅન્ડના વ્રોક્લેવમાં ચાલી રહેલી વર્લ્ડ આર્ચરી યુથ ચૅમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારતની કમ્પાઉન્ડ કૅડેટ વુમન ટીમે ફાઇનલમાં ટર્કીની ટીમને ૨૨૮-૨૧૬થી મહાત કરી હતી. ભારતીય ટીમની મેમ્બર પરનીત કૌર, પ્રિયા ગુર્જર અને રિધિ વર્શિનીના શાનદાર પર્ફોર્મન્સના જોરે આ કમાલ કરી હતી. આ પહેલાં મંગળવારે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભારતીય ખેલાડી અને મિક્સ ટીમે બે જુનિયર (અન્ડર-૧૮) વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યા હતા. પ્રિયા ગુર્જરે ઇન્ડિવિજ્યુઅલ પોલમાં ૬૯૬ પૉઇન્ટ સાથે નવો રેકૉર્ડ બનાવ્યો હતો, જ્યારે પરનીત કૌર અને રિધુ સેન્થિલકુમારે કમ્બાઇન્ડ ૨૧૬૦માંથી ૨૦૬૭ પૉઇન્ટ નવો વર્લ્ડ રેકૉર્ડ રચી દીધો હતો. આ રેકૉર્ડ ૨૦૪૫ પૉઇન્ટનનો અમેરિકાના નામે હતો.

ઉન્મુક્ત ચંદે કર્યો સિલિકૉન વૅલી સ્ટ્રાઇક ટીમ સાથે કરાર

શુક્રવારે માત્ર ૨૮ વર્ષની ઉંમરે સંન્યાસ લઈને બધાને ચોંકાવી દેનાર ઉન્મુક્ત ચંદે ગઈ કાલે અમેરિકાની માઇનર લીગ ક્રિકેટ ટીમ સિલિકૉન વૅલી સ્ટ્રાઇકર સાથે કરાર કર્યા હતા. ભારતમાં રમવાના વધુ વિકલ્પો ન મળતાં કંટાળીને અન્ડર-19ની ટીમના તેના સાથી સ્મિત પટેલ પાસેથી પ્રેરણા લઈને અમેરિકા તરફ નજર દોડાવી હતી. ઉન્મુક્ત ચંદના નેતૃત્વમાં ભારત ૨૦૧૨માં અન્ડર-19 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યું હતું. ચંદ ત્યારે ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં ૧૧૧ રનની કૅપ્ટન્સ ઇનિંગ્સ રમીને છવાઈ ગયો હતો. ત્યાર બાદ ચંદને ભારતના ભવિષ્યના કૅપ્ટન તરીકે જોવાતો હતો, પણ તે ક્યારેય સિનિયર ટીમમાં પ્રવેશ નહોતો મેળવી શક્યો. 

સૌરવ ગાંગુલીના ભાઈ હૉસ્પિટલમાં

ભૂતપૂર્વ કૅપ્ટન અને હાલમાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલીને પેટના ઇન્ફેકશનને લીધે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં ઍન્જિયોપ્લાસ્ટી કરાવનાર સ્નેહાશિષને શુક્રવારે રાત્રે ઊલટીઓ થવા માંડતાં સાવચેતીના પગલારૂપે મોડી રાતે હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે તેમનો કોરોના-રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ૫૩ વર્ષના સ્નેહાશિષ પણ સૌરવ ગાંગુલીની જેમ લેફ્ટી બૅટ્સમૅન છે.

Sports news sourav ganguly