સોફીએ રોક્યો હર્મન બ્રિગેડનો વિજયરથ

19 March, 2023 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુપીએ ડબ્લ્યુપીએલમાં એક પણ મૅચ ન હારનાર મુંબઈની ટીમને પાંચ વિકેટે હરાવી

ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે મુંબઈની વિકેટની ઉજવણી કરતી સોફી.

નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં યુપી વૉરિયર્સે અત્યાર સુધી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં એક પણ મૅચ ન હારેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમને પાંચ વિકેટથી હરાવી હતી. ઇંગ્લૅન્ડની સ્ટાર લેફ્ટઆર્મ સ્પિનર સોફી એકસ્લ્ટને ૧૫ રન આપી ત્રણ વિકેટ લેતાં મુંબઈની ટીમને યુપીએ માત્ર ૧૨૭ રન જ કરવા દીધા હતા. મુંબઈની ટીમ જ્યારે બૅટિંગ કરી રહી હતી ત્યારે ૨૦ પૈકી ૧૮ ઓવર સ્પિનરોએ કરી હતી, જે ડબ્લ્યુપીએલનો એક રેકૉર્ડ છે. મુંબઈની ટીમની કુલ છ મૅચમાં આ પહેલી હાર હતી તો યુપીએ ત્રણ જીત અને ત્રણ હાર સાથે છ પૉઇન્ટ મેળવીને પ્લે-ઑફની પોતાની આશાને જીવંત રાખી છે.

યુપી માટે પણ લક્ષ્યાંક મેળવવો સરળ નહોતો. એણે ત્રણ બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો. યુપી માટે ગ્રેસ હૅરિસ (૩૯) અને તાહલિયા મૅક્ગ્રા (૩૮)એ બૅટિંગમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. દીપ્તિ શર્મા (નોટઆઉટ ૧૩) અને પ્લેયર ઑફ ધ મૅચ સોફી એકસ્લ્ટન (નોટઆઉટ ૧૬) સાથે મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

યુપીએ બીજી ઓવરની શરૂઆતમાં એક રને દેવિકા વૈધની વિકેટ ગુમાવી હતી. હીલી મૅથ્યુઝની બોલિંગમાં મુંબઈની કૅપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર કૅચ પકડ્યો હતો. ઇસી વોન્ગે યુપીની કૅપ્ટન અલીઝા હીલી (૮)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. નાના લક્ષ્યાંકનો બચાવ કરી રહેલી મુંબઈની ખેલાડી યસ્તિકા ભાટિયાએ નૅટ સિવર-બ્રન્ટની ઓવરમાં કિરણ નવગિરેનો શાનદાર કૅચ પકડ્યો હતો. યુપીએ ૨૭ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. મુંબઈએ ભલે ત્રણ ઝડપી વિકેટ લીધી હોય, પણ સાથોસાથ ત્રણ કૅચ ડ્રોપ પણ કર્યા હતા, જે અંતે મહત્ત્વના સાબિત થયા હતા. તાહલિયા મેક્ગ્રાએ ૨૫ બૉલમાં આક્રમક ૩૮ રન બનાવ્યા હતા. યુપીએ ધીરજ જાળવી રાખીને વિજયનો લક્ષ્યાંક પાર કર્યો હતો.

એ પહેલાં ઇસી વોન્ગે ૧૯ બૉલમાં ૩૨ રન કરવા છતાં મુંબઈ અપેક્ષા મુજબનો સ્કોર કરી શકી નહોતી. યુપીના બોલરો સમયાંતરે વિકેટ લઈને મુંબઈની ટીમને કોઈ પણ પ્રકારની છૂટ આપી નહોતી. ૧૦ ઓવરના અંતે મુંબઈએ ૫૬ રને બે વિકેટ ગુમાવી હતી. હીલી મૅથ્યુઝ (૩૫) અને હરમનપ્રીત કૌર (૨૫) વચ્ચે સારી પાર્ટનરશિપ પણ થઈ રહી હતી. જોકે આ બન્ને સારી શરૂઆત છતાં મોટો સ્કોર કરી શકી નહોતી. 

નોંધ : તમામ આંકડા ગઈ કાલની ગુજરાત-બૅન્ગલોર મૅચ પહેલાંના છે. દરેક ટીમે ૮ લીગ મૅચ રમવાની છે.

sports news cricket news