27 February, 2022 06:45 PM IST | Mumbai | Harit N Joshi
વિષ્ણુ સોલંકી
શુક્રવારે ભુવનેશ્વરમાં ચાલી રહેલી ચંડીગઢ સામેની એલિટ ગ્રુપ-બીની રણજી મૅચના બીજા દિવસે બરોડાના વાઇસ-કૅપ્ટન વિષ્ણુ સોલંકીએ સદી ફટકારી ત્યારે માત્ર તેની ટીમના જ નહીં, હરીફ ટીમના ખેલાડીઓએ પણ તેને બિરદાવ્યો હતા. સદી છતાં તે પોતાનનાં આંસુ છુપાવવાનો પ્રયાસ કરતો હતો, કારણ કે ૧૨ ફેબ્રુઆરીએ વિષ્ણુ સોલંકીની માત્ર એક દિવસની દીકરીનું વડોદરામાં નિધન થયું હતુ. ત્યારે તે બંગાળ સામે પોતાની રણજી ટ્રોફી મૅચ રમતો હતો. દીકરીની અંતિમવિધિ માટે તે હૈદરાબાદથી વડોદરા ગયો અને ૧૭ તારીખે ફરી ટીમ સાથે જોડાયો હતો. ક્વૉરન્ટીનનો સમય પૂરો કર્યા બાદ તે ચંડીગઢ સામેની મૅચમાં ફરી ટીમમાં સામેલ થયો હતો.
બરોડા ક્રિકેટ અસોસિએશનના સીઈઓ શિશિર હટંગડીએ પણ આ ખેલાડીની હિંમતને બિરદાવી છે. એક ટ્વીટ કરી તેમણે કહ્યું હતું કે ભલે આ સદીને સોશ્યલ મીડિયામાં લાઇક નહીં મળે, પરંતુ વિષ્ણુ સોલંકી ખરેખર હીરો છે. ચંડીગઢ સામેની મૅચ પહેલાં વિષ્ણુ સોલંકીએ માત્ર એક જ પ્રૅક્ટિસ-સેશનમાં હાજરી આપી હતી. વિષ્ણુ સોલંકીના ૧૦૪ રનની મદદથી બરોડાએ પહેલી ઇનિંગ્સમાં ૫૧૭ રન બનાવ્યા હતા. બીજી તરફ પહેલી ઇનિંગ્સમાં માત્ર ૧૬૮ રનમાં ઑલઆઉટ થનાર ચંડીગઢની ટીમે બીજી ઇનિંગ્સમાં બે વિકેટે ૨૩૨ રન બનાવ્યા છે.