29 April, 2026 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી
ગઈ કાલે રાજસ્થાન રૉયલ્સનો ૧૫ વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ પંજાબ કિંગ્સ સામે ૨૬૮.૭૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને મોટો રેકૉર્ડ નોંધાવ્યો હતો. ૧૬ બૉલમાં ૩ ફોર અને પાંચ સિક્સની મદદથી ૪૩ રન કરીને વૈભવ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સામે શ્રેયસ ઐયરના હાથે કૅચ-આઉટ થયો હતો.
૯ મૅચમાં ૪૦૦ રન સાથે વૈભવ ગઈ કાલે ફરી ઑરેન્જ કૅપ હોલ્ડર બન્યો હતો. તેણે આ ૪૦૦ રન માત્ર ૧૬૭ બૉલમાં પૂરા કર્યા હતા. બિહારનો આ ખેલાડી એક IPL સીઝનમાં ૧૬૭ બૉલમાં ફાસ્ટેસ્ટ ૪૦૦ રન કરનાર ખેલાડી બની ગયો હતો. અગાઉ કૅરિબિયન ઑલરાઉન્ડર ઑન્દ્રે રસેલે ૨૦૧૯માં કલકત્તાની ટીમ માટે ૧૮૮ બૉલમાં ૪૦૦ રન પૂરા કર્યા હતા. ભારતીય ખેલાડીઓમાંથી અગાઉ અભિષેક શર્માએ હૈદરાબાદ માટે ૨૦૨૪માં ૧૯૫ બૉલમાં ૪૦૦ રનનો આંકડો પાર કર્યો હતો.
આ ૪૦૦ રનમાંથી ઓપનર વૈભવ સૂર્યવંશીએ ૩૧૯ રન પાવરપ્લે એટલે કે પહેલી ૬ ઓવરમાં જ ફટકાર્યા છે. આ સીઝનમાં પાવરપ્લેના ૧૩૦ બૉલમાં ૨૪૫.૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તેણે ૨૯ ફોર અને ૨૯ સિક્સના આધારે ૩૧૯ રન કર્યા હતા.
૨૦૨૫માં પોતાની પહેલી સીઝનમાં વૈભવ સૂર્યવંશીએ ૭ મૅચમાં ૧૨૨ બૉલનો સામનો કરીને ૨૦૬.૫૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને એક ફિફ્ટી અને સદીની મદદથી ૨૫૨ રન કર્યા હતા.