વિજય હઝારે ટ્રોફીની આજે ફાઇનલ, ઉત્તર પ્રદેશને નડી શકે છે મુંબઈનો શૉ

14 March, 2021 01:06 PM IST  |  New Delhi | Agency

વિજય હઝારે ટ્રોફીની આજે ફાઇનલ, ઉત્તર પ્રદેશને નડી શકે છે મુંબઈનો શૉ

પૃથ્વી શૉ

ફેબ્રુઆરીની ૨૦મીથી શરૂ થયેલી વિજય હઝારે ટ્રોફી ટુર્નામેન્ટમાં આજે અહીં ફિરોજશા કોટલા ખાતેના અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ અને ઉત્તર પ્રદેશ વચ્ચે ફાઇનલ જંગ ખેલાવાનો છે. પૃથ્વી શૉના આ ટુર્નામેન્ટમાંના અત્યાર સુધીના પ્રદર્શનને જોતાં મુંબઈને ફેવરિટ ટીમ તરીકે જોવાઈ રહી છે. અત્યાર સુધી શૉએ આ ટુર્નામેન્ટમાં ૧૦૫ નૉટઆઉટ, ૨૨૭ નૉટઆઉટ, ૧૮૫ નૉટઆઉટ અને ૧૬૫ રનની ધુઆંધાર ઇનિંગ્સ રમીને કુલ ૭૫૪ રન પોતાના નામે નોંધાવ્યા છે. શક્ય છે કે ઇંગ્લૅન્ડ સામેની ત્રણ વન-ડેમાં રોહિત શર્માને આરામ આપીને કદાચ પૃથ્વી શૉને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે આ મુદ્દો હજી ગણતરીમાં છે અને એનો અમલ થશે કે નહીં એ વિશે કોઈ સત્તાવાર ચોખવટ કરવામાં નથી આવી.

સામા પક્ષે ઉત્તર પ્રદેશનો કૅપ્ટન કરણ શર્મા સારી રીતે નેતૃત્વ કરીને પોતાની ટીમને ફાઇનલ સુધી લઈ ગયો છે અને આજે મુંબઈને હરાવીને તે પોતાની ટીમને વિજેતા બનાવવા માટે ઝઝૂમતો જોવા મળી શકે છે. ઇનસ્વિંગ બોલરો સામે પૃથ્વીની નબળાઈનો લાભ લેવાનો ઉત્તર પ્રદેશ ચોક્કસ પ્રયાસ કરશે. યશ દયાલ અને આકિબ ખાન મુંબઈના સુકાની પૃથ્વી શૉને મુસીબતમાં મૂકવાની કોઈ કસર બાકી નહીં રાખે. જો પૃથ્વી શૉ આજે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ જશે તો અન્ય કોઈક બૅટ્સમૅને એ જવાબદારી લેવી પડશે. ‘લિસ્ટ-એ’ ક્રિકેટ અને વિજય હઝારે ટુર્નામેન્ટમાં સૌથી વધારે સ્કોર કરવાનો રેકૉર્ડ હવે પૃથ્વી શૉના નામે છે. મુંબઈનો પેસ બોલર ધવલ કુલકર્ણી ૧૪ વિકેટ સાથે આ ટુર્નામેન્ટનો સૌથી સફળ બોલર રહ્યો છે. એવામાં ૨૦૧૮-’૧૯માં ટ્રોફી જીત્યા બાદ મુંબઈ આજે ચોથી વખત આ ટુર્નામેન્ટ જીતશે કે ૨૦૦૫-’૦૬માં રનર-અપ રહ્યા બાદ પહેલી વાર ફાઇનલમાં પહોંચેલી ઉત્તર પ્રદેશની ટીમ બાજી મારશે એ જોવું રહ્યું.

cricket news sports news vijay hazare trophy prithvi shaw