ટી૨૦ વર્લ્ડ કપ અને ​ટીમ ઇન્ડિયા

18 September, 2022 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એશિયા કપમાં મહત્ત્વની છેલ્લી બે મૅચમાં હારને ભારતીય ફૅન્સ હજી પચાવી શક્યા નથી ત્યારે વર્લ્ડ કપ પહેલાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝ સિલેક્ટરો અને ખેલાડીઓ માટે કસોટી સમાન સાબિત થશે

ટી૨૦ વર્લ્ડ કપ અને ​ટીમ ઇન્ડિયા

ધીમે-ધીમે તમામ દેશો ૧૬ ઑક્ટોબરથી ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરી રહ્યા છે. જે-તે બોર્ડના પસંદગીકારો વર્લ્ડ કપ આ ખેલાડીઓ જીતી લાવશે એવું માનીને જ ટીમની પસંદગી કરી રહ્યા છે. ચેતન શર્માના નેતૃત્વમાં ભારતીય સિલેક્ટરોએ પણ ૧૫ ખેલાડીઓનાં નામ જાહેર કર્યાં છે, જેમાં ચાર ફાસ્ટ બોલર્સનો સમાવેશ કર્યો છે. પસંદગીકારોએ અર્શદીપ સિંહને મુખ્ય ટીમમાં તો અનુભવી મોહમ્મદ શમી અને દીપક ચાહરને સ્ટૅન્ડ-બાય રાખ્યા છે. યુએઈમાં રમાયેલા એશિયા કપમાં ભારતીય ટીમ ફેવરિટ તરીકે ગઈ હતી, પરંતુ ગ્રુપ-મૅચમાં ટોચ પર રહ્યા બાદ ત્યાર બાદ રમાયેલી પાકિસ્તાન અને શ્રીલંકા સામે ડેથ ઓવરમાં રસાકસીભરી મૅચમાં હારી ગયું હતું. ભારતીય ટીમને ડેથ ઓવરમાં જસપ્રીત બુમરાહની ખોટ સ્પષ્ટપણે વર્તાઈ હતી. હવે ભારતીય ટીમમાં બુમરાહ અને હર્ષલ પટેલ જેવા ફાસ્ટ બોલર્સનો ફરીથી સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ માત્ર આટલા ફેરફારથી ભારતીય ટીમ મજબૂત થઈ શકશે ખરી એવો સવાલ દરેક ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકોને સતાવી રહ્યો છે.

પંત અને કાર્તિક

એશિયા કપમાં ભારતીય ટીમ વિકેટકીપર તરીકે રિષભ પંત અથવા દિનેશ કાર્તિકની પસંદગી કરતી હતી. રિષભ પંત મળેલી તકનો લાભ ઉઠાવી શક્યો નહોતો. સુનીલ ગાવસકરે કહ્યું કે ‘હું પ્લેઇંગ ઇલેવનમાં આ બન્ને ખેલાડીને રમાડવાનું પસંદ કરું, જેનાથી બૅ​ટિંગ લાઇનઅપ મજબૂત થાય. રિષભને પાંચમા, હાર્દિક પંડ્યાને છઠ્ઠા તો કાર્તિકને સાતમા નંબરે મોકલવાનું પસંદ કરું, જેનાથી બૅટિંગમાં ડેપ્થ વધી જાય.’

સૂર્યકુમાર એક્સ ફૅક્ટર

સૂર્યકુમાર યાદવ અપેક્ષા મુજબ સફળ રહ્યો નહોતો, પરંતુ તેણે ચમકારો જરૂર બતાવ્યો છે. ટી૨૦ વર્લ્ડ કપમાં તે ભારતીય ટીમ માટે એક્સ ફૅક્ટર સાબિત થશે. તમામ દિશામાં શૉટ ફટકારવાની તેની ક્ષમતાને કારણે તેને મિસ્ટર ૩૬૦ એવા નામથી પણ ઓળખતા થયા છે. ઑસ્ટ્રેલિયા તેમ જ સાઉથ આફ્રિકા સામે રમાનારી સિરીઝમાં પણ તમામની નજર તેના પ્રદર્શન પર હશે.

લોકેશ રાહુલનો ક્રમાંક બદલાશે?

લોકેશ રાહુલ એશિયા કપમાં અપેક્ષા મુજબનું ફૉર્મ બતાવવામાં સફળ નહોતો રહ્યો. હવે તેની પાસે ઑસ્ટ્રેલિયા તેમ જ સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં પોતાની ક્ષમતા બતાવવાની તક છે. જો તે સફળ રહેશે તો ભારત માટે એનાથી સારી વાત બીજી કોઈ નહીં હોય, પરંતુ એમ ન બન્યું તો રોહિત અને કોહલી પાસે ઓપનિંગ કરાવવું પડશે, જેથી તેને ત્રીજા ક્રમાંક પર થોડો વધુ સમય મળશે. રાહુલની ક્ષમતા વિશે કોઈને શંકા નથી, પરંતુ તે ઘણી વખત સેટ થવામાં થોડો વધુ સમય લે છે, જેને કારણે તેના પર દબાણ વધે છે. ઑસ્ટ્રેલિયામાં તેણે આંતરરાષ્ટ્રીય ટી૨૦માં ૧૦૮ રન કર્યા છે.

પંડ્યા બનશે યુવરાજ?

ટી૨૦ વર્લ્ડ કપમાં એક ઑલરાઉન્ડર ખેલાડીનું મહત્ત્વ ઘણું હોય છે. ૨૦૦૭નો ટી૨૦ વર્લ્ડ કપ હોય કે ૨૦૧૧નો વન-ડે વર્લ્ડ કપ, આ બન્નેમાં યુવરાજ સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૦૧૧માં તો તે મૅન ઑફ ધ સિરીઝ પણ બન્યો હતો. હાર્દિક પંડ્યા પાસે પણ ટીમ આવી જ અપેક્ષા રાખે છે. બૅટિંગની તેની ક્ષમતા બધા જાણે છે, પરંતુ બોલિંગમાં તે ​ઘણી વખત વિકેટ લઈ શકતો નથી, જેને કારણે ટીમમાં છઠ્ઠા બોલર તરીકેના વિકલ્પ અચાનક ઘટી જાય છે. અગાઉ ફિટનેસને કારણે તે ​બોલિંગ નહોતો કરી શકતો એથી ભારતીય ટીમમાંથી તેની હકાલપટ્ટી થઈ હતી. હાર્દિકે વિકેટ લેવા માટે જોખમ ઉઠાવવું જરૂરી છે. એક ફિટ અને આત્મવિશ્વાસથી ભરપૂર હાર્દિક હરીફ ટીમ માટે સૌથી મોટો ખતરો બની રહેશે.

કોહલી અને રોહિત

છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી આ બન્ને દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટીમ માટે કરોડરજ્જુ જેવા છે. ભારતના આ બન્ને ટૉપ ઑર્ડર બૅટર્સે કંઈકેટલાય રન કર્યા છે. તાજેતરમાં અફઘાનિસ્તાન સામે કોહલીએ સેન્ચુરી ફટકારીને ફૉર્મ મેળવ્યું છે. વળી કોહલીને જ રોહિત સાથે ઓપનર તરીકે મોકલવામાં આવે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. હાલમાં તે ત્રીજા ક્રમાંકે બૅટિંગમાં આવે છે. ભારતીય ટીમના સારા પ્રદર્શનનો તમામ આધાર રોહિત અને કોહલીના પ્રદર્શન પર નિર્ભર છે.

ચહલનું ચિંતાજનક પ્રદર્શન

ભારતીય ટીમમાં યુઝવેન્દ્ર ચહલ, રવિચન્દ્રન અશ્વિન અને અક્ષર પટેલ જેવા સ્પિનરોને સ્થાન મળ્યું છે. ઑસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલરોને મદદગાર સાબિત થતી પિચો પર ભારત માત્ર એક જ સ્પિનરને પ્લેઇંગ ઇલેવનમાં તક આપે એવી સ્થિતિ સર્જાઈ શકે છે. એવામાં લેગ બ્રેક સ્પિનર તરીકે ચહલની જ પસંદગી ટીમ મૅનેજમેન્ટ કરે. તાજેતરમાં એશિયા કપ દરમ્યાન તેને માત્ર ચાર જ વિકેટ મળી હતી, જે તમામ માટે ચિંતાનો વિષય છે. અક્ષર પટેલે ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાની જગ્યાએ એક ઑલરાઉન્ડર ખેલાડી તરીકે ટીમમાં સ્થાન મેળવતાં પહેલાં પોતાની જાતને પુરવાર કરવા માટે હજી ઘણી મહેનત કરવી પડશે. 

sports news cricket news t20 world cup