04 December, 2023 09:34 AM IST | Bangalore | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રિન્કુ સિંહ પોતાના ફક્ત છ રનના સ્કોર પર વાઇડ લૉન્ગ-ઑન પર ટિમ ડેવિડને કૅચ આપી બેઠો હતો. પી.ટી.આઇ.
બૅન્ગલોરમાં ગઈ કાલે ફક્ત ૬ રનના પોતાના સ્કોર પર ઑસ્ટ્રેલિયાના લેગ-સ્પિનર તનવીર સંઘાના બૉલમાં કૅચઆઉટ થનાર રિન્કુ સિંહને ભારતના ભૂતપૂર્વ પેસ બોલર અને ગુજરાત ટાઇટન્સના સફળ હેડ-કોચ આશિષ નેહરાએ આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટે દાવેદાર ગણાવ્યો છે, પરંતુ તેનું એવું પણ માનવું છે કે તેના સમાવેશ વિશે અત્યારથી કહેવું વહેલું ગણાશે, કારણ કે તેણે ટીમમાં સ્થાન મેળવવા સાથી બૅટર્સ સાથેની આકરી હરીફાઈનો સામનો કરવો પડશે.ટી૨૦ વર્લ્ડ કપ આગામી જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાશે. વિસ્ફોટક બૅટર રિન્કુ સિંહે શુક્રવારે ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટી૨૦માં ૨૯ બૉલમાં મૅચવિનિંગ ૪૬ રન બનાવ્યા હતા અને ભારતને ૩-૧થી સિરીઝ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે કાંગારૂઓ સામેની પહેલી બે ટી૨૦માં અણનમ બાવીસ અને અણનમ ૩૧ રન બનાવ્યા હતા.