02 February, 2026 07:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનીલ ગાવસ્કર - ફાઇલ તસવીર
પાકિસ્તાની સરકારે નિર્ણય લીધો છે કે તેમની ટીમ ICC T20 વર્લ્ડ કપમાં ભારત સામે ૧૫ ફેબ્રુઆરીએ રમાનારી મેચ નહીં રમે. જોકે, તેમની ટીમ બાકીના વર્લ્ડ કપમાં ભાગ લેશે. આ મામલે સુનીલ ગાવસ્કરે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી છે.
સુનીલ ગાવસ્કરે એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું, "જે નિર્ણય લેવાયો છે, તે સરકારે લીધો છે. આ એક રાજકીય નિર્ણય છે. રમત મંત્રાલયે આ નિર્ણય લીધો નથી. સરકારે ટ્વીટ કર્યું છે કે તેઓ ભારત સામે નહીં રમે. તેઓ બાકીની ટુર્નામેન્ટ રમી રહ્યા છે, માત્ર ભારત સામે નથી રમી રહ્યા. હું પૂછવા માંગુ છું કે આજે ભારત અને પાકિસ્તાનની જે યુથ (Youth) ટીમ રમી રહી હતી, તેને શા માટે રમવા દેવામાં આવી?" ગાવસ્કરે આગળ કહ્યું, "તમે આ મેચ એટલે થવા દીધી કારણ કે થોડા દિવસ પહેલા એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનની જીત થઈ હતી. એટલે તમને લાગ્યું કે પાકિસ્તાની ટીમ આજે પણ જીતી જશે અને ભારતીય યુથ ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે. પરંતુ એવું થયું નહીં. જો ભારત સામે નથી જ રમવું તો તમામ વય જૂથ (Age Group) માટે બંધ કરો. એવું થોડું હોય કે અમે સીનિયર લેવલે નહીં રમીએ પણ જુનિયર લેવલે રમીશું? આ તે કેવી વાત છે."
ૉસુનીલ ગાવસ્કરે કટાક્ષ કરતા કહ્યું, "આવતા બે-ચાર દિવસમાં જ્યારે પ્રતિક્રિયાઓ આવશે, તો કદાચ આ નિર્ણય બદલાઈ પણ શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાની ક્રિકેટરો નિવૃત્તિ લે છે અને ચાર દિવસ પછી નિવૃત્તિ પાછી ખેંચી લે છે. તો આમાં પણ એવું બની શકે છે. અને જો પાકિસ્તાન આ નિર્ણય પાછો લે છે તો તેમાં કોઈ સમસ્યા નથી. પાકિસ્તાની ખેલાડીઓએ જે રીતે કર્યું છે, કદાચ આ નિર્ણયમાં પણ એવું જ થઈ શકે છે."
ગાવસ્કરે અંતમાં કહ્યું, "ચોક્કસપણે, મને લાગે છે કે જો તમે છેલ્લી ઘડીએ નામ પાછું ખેંચો છો, તો આ એક સમસ્યા છે. જો તમે અગાઉથી જ નામ પાછું ખેંચી લો, તો વાત અલગ છે. પરંતુ જો તમે ટુર્નામેન્ટની બરાબર પહેલા આવું કરો છો, તો મને લાગે છે કે ICCએ જરૂર દખલ કરવી જોઈએ અને કંઈક કાર્યવાહી કરવી જોઈએ. મને ખબર નથી કે તેઓ શું પગલાં લેશે, કારણ કે આમાં અન્ય બોર્ડ પણ સામેલ છે. જોકે, કંઈક એવું થવું જોઈએ જેનાથી ખાતરી થાય કે ભવિષ્યમાં કોઈ બીજી ટીમ આવું કરવાનું વિચારે પણ નહીં."
T20 વર્લ્ડ કપ (T20 World Cup 2026) શરૂ થવામાં એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે પાકિસ્તાને આ મેગા ઇવેન્ટમાં ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામે મેચ ન રમવાની જાહેરાત કરીને વિશ્વ ક્રિકેટને સ્તબ્ધ કરી દીધું છે. દરેક વ્યક્તિ હેરાન છે કે આખરે પાકિસ્તાનને આ શું થઈ ગયું છે? જોકે, પાડોશી દેશનો આ નિર્ણય પોતાનામાં ખૂબ ઐતિહાસિક છે. પરંતુ તેની બીજો એક પાસું એ પણ છે કે જો પાકિસ્તાન ખરેખર ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામે નહીં રમે, તો તેણે તેની ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે.
આ અંતર્ગત PCB એ આર્થિક નુકસાનની સાથે અન્ય સજાનો પણ સામનો કરવો પડી શકે છે. અને જો આર્થિક પાસાની વાત કરીએ તો, સંભવિત નુકસાનની કિંમત ભારતીય રૂપિયામાં આશરે 400 થી 450 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
પોઈન્ટ્સ જપ્ત થઈ જશે પાકિસ્તાન ૧૫ ફેબ્રુઆરીએ ભારત સામે ન રમવાની સ્થિતિમાં સૌથી પહેલું નુકસાન પોઈન્ટ્સ ગુમાવીને ચૂકવવું પડશે. આપોઆપ તેના બે અંક (Points) જપ્ત કરી લેવામાં આવશે. અને નેટ રન-રેટની ગણતરી કરતી વખતે તેના કોટાની પૂરી 20 ઓવર ગણવામાં આવશે. આનાથી તેના `સુપર-8` માં ક્વોલિફાય થવાની શક્યતાઓ પર મોટી અસર પડશે.
ભાગીદારી ફીથી હાથ ધોવા પડશે વર્લ્ડ કપમાં દરેક ટીમને ભાગીદારી ફી (Participation fee) મળે છે. આ ઉપરાંત, પ્રદર્શન આધારિત બોનસ અને ટુર્નામેન્ટ પછી રેવન્યુ શેરિંગ (આવક વહેંચણી) હેઠળ મળતી રકમ પણ તેમાં સામેલ છે. આ ત્રણેય પાસાઓને મળીને આ રકમ લગભગ ૧ મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં આશરે ૯ કરોડ રૂપિયા (ટુર્નામેન્ટમાં આગળ વધવા પર રકમ વધે છે) થાય છે. જો ICC આ નિર્ણયને તેના `ICC મેમ્બર પાર્ટિસિપેશન એગ્રીમેન્ટ`નું ઉલ્લંઘન ગણશે, તો તે આ તમામ ચૂકવણી પર રોક લગાવી શકે છે.
બ્રોડકાસ્ટરોને મોટું નુકસાન, PCB પર થઈ શકે છે કેસ! ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૫ ફેબ્રુઆરીએ રમાનારી બહુપ્રતિક્ષિત મેચની તમામ ટિકિટો પહેલા જ વેચાઈ ચૂકી છે. બંને દેશો વચ્ચેના મુકાબલામાં પ્રતિ ૧૦ સેકન્ડની જાહેરાતનો ભાવ આશરે 25-30 લાખ રૂપિયા હોય છે. તેવામાં તમે સમજી શકો છો કે બ્રોડકાસ્ટર સ્ટાર-સ્પોર્ટ્સને કેટલું મોટું નુકસાન થશે. ચેનલને આ નુકસાન લગભગ ૩૮ મિલિયન ડોલર એટલે કે ભારતીય રકમમાં આશરે 350 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. મેચમાંથી હટી જવાના કિસ્સામાં બ્રોડકાસ્ટર PCB ને કોર્ટમાં ઢસડી શકે છે.