T20 ક્રિકેટમાં દસમી શતકીય ભાગીદારી શુભમન ગિલ-સાઈ સુદર્શને વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી

23 May, 2026 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર ૪૬મી મૅચમાં સૌથી ઝડપી ૧૦ સેન્ચુરી પાર્ટનરશિપ નોંધાવી...

T20 ક્રિકેટમાં દસમી શતકીય ભાગીદારી શુભમન ગિલ-સાઈ સુદર્શને વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી

ગુરુવારે ચેન્નઈ સામે ૧૨.૨ ઓવરમાં ૧૨૫ રનની ભાગીદારી કરીને ગુજરાતના ઓપનર્સે વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી હતી. T20 ક્રિકેટમાં કોઈ પણ વિકેટ માટે રેકૉર્ડ ૧૦મી વખત શુભમન ગિલ અને સાઈ સુદર્શને ૧૦૦થી વધુ રનની ભાગીદારી કરી હતી. બન્નેએ રેકૉર્ડ ૪૬ મૅચમાં આ કમાલ કરી છે. અગાઉ ક્રિસ ગેઇલ અને વિરાટ કોહલીએ (૬૩ મૅચ), બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને (૭૫ મૅચ), એ. બી. ડિવિલિયર્સે અને વિરાટ કોહલીએ (૭૭ મૅચ) પણ ૧૦ વખત ૧૦૦થી વધુ રનની ભાગીદારી કરી હતી.

IPLમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શને રેકૉર્ડ સાતમી વખત ૧૦૦થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. આ પહેલાં ડેવિડ વૉર્નર-શિખર ધવન અને ટ્રૅવિસ હેડ-અભિષેક શર્માએ ૬ વખત ઓપનર્સ તરીકે ટુર્નામેન્ટમાં ૬-૬ વખત શતકીય ભાગીદારી કરી છે. શુભમન ગિલ અને સાઈ સુદર્શન આ ટુર્નામેન્ટમાં ઓપનર્સ તરીકે સૌથી વધુ રનની ભાગીદારી કરવાના મામલે ૧૯૪૨ રન સાથે બીજા ક્રમે છે. ડેવિડ વૉર્નર-શિખર ધવન ૨૨૨૦ રન સાથે આ લિસ્ટમાં પહેલા ક્રમાંકે છે.

સાઈ સુદર્શને ટુર્નામેન્ટમાં સતત પાંચમી મૅચમાં ફિફ્ટી પ્લસ રન કરીને વીરેન્દર સેહવાગ (૨૦૧૨), જૉસ બટલર (૨૦૧૮) અને ડેવિડ વૉર્નર (૨૦૧૯)ની બરાબરી કરી હતી. શુભમન ગિલે શાનદાર બૅટિંગની મદદથી ૬૦૦૦ T20 રન ૧૮૫મી મૅચમાં પૂરા કર્યા છે.

અફલાતૂન કૅચ પકડ્યા બાદ શુભમન ગિલેચેન્નઈના ફૅન્સને ચૂપ રહેવાનો સંકેત કર્યો
ગુરુવારે ગુજરાત ટાઇટન્સના ગઢ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સના યલો જર્સી પહેરીને આવેલા ફૅન્સ વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા. મૅચમાં ગુજરાત કરતાં વધારે ચેન્નઈ માટે ફૅન્સનું ચિયર વધુ સાંભળવા મળ્યું હતું. આ ફૅન્સ તરફ શુભમન ગિલની એક હરકત ભારે ચર્ચામાં રહી હતી.

શાનદાર ફ્લાઇંગ કૅચ પકડીને શુભમન ગિલે ૧૭ બૉલમાં ૪૭ રન ફટકારનાર શિવમ દુબેને તંબુભેગો કરી દીધો હતો. આ કૅચ બાદ તેણે સ્ટૅન્ડ્સમાં ચેન્નઈના ફૅન્સને ચૂપ રહેવાનો સંકેત કરીને સ્ટેડિયમ છોડીને ભાગવાનું સૂચન કર્યું હતું. સોશ્યલ મીડિયા પોસ્ટમાં પણ મોહમ્મદ સિરાજ અને જૉસ બટલર સાથે મોઢા પર આંગળી મૂકતો ફોટો શૅર કરીને શુભમન ગિલે ચેન્નઈના ફૅન્સને ચીડવ્યા હતા. 

sai sudharsan shubman gill gujarat titans cricket news sports news