02 December, 2020 07:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ સંજય માંજરેકરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
સંજય માંજરેકરે અગાઉ કમેન્ટ આપી હતી કે ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાને ફક્ત સબસ્ટીટ્યુટ ફિલ્ડર તરીકે જ લેવો જોઈએ. ભારતની વનડે અને ટી-20 ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરતા માંજરેકરે પ્રશ્નો પણ કર્યા હતા. માંજરેકરે એમ પણ ઉમેર્યું હતું કે હાર્દિક પંડ્યાને પણ ટીમમાં લેવો ન જોઈએ. જોકે આજે આ બંને ગુજરાતી ઓલરાઉન્ડરે તોફાની બેટિંગ કરીને ભારતને જીત અપાવતા સોશ્યલ મીડિયામાં માંજરેકર ટ્રોલ થયો હતો.
ઓસ્ટ્રેલિયા ભારત સામે 3 વનડે સીરિઝની અંતિમ મેચમાં કેનબરા ખાતે 303 રનનો પીછો કરતા 49.3 ઓવરમાં 289 રનમાં ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા માટે કપ્તાન આરોન ફિન્ચ અને ગ્લેન મેક્સવેલે ફિફટી ફટકારતા અનુક્રમે 75 અને 59 રન કર્યા હતા.
પહેલી ઈનિંગમાં ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 302 રન કર્યા હતા. 152 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ 150 રનની ભાગીદારી કરી હતી. હાર્દિકે પોતાના કરિયરની છઠ્ઠી ફિફટી ફટકારતાં 76 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 92 રન કર્યા હતા.
જાડેજાએ કરિયરની 13મી ફિફટી ફટકારતાં 50 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી 66 રન કર્યા હતા. હાર્દિકને તેની ઇનિંગ્સ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જ્યારે, ભારત માટે શાર્દુલ ઠાકુરે 3 વિકેટ, જ્યારે જસપ્રીત બુમરાહ અને ટી. નટરાજને 2 વિકેટ લીધી. આ મેચ જીતીને ભારતે ઓસ્ટ્રેલિયાને વ્હાઇટવોશ કરતા રોક્યું છે. કાંગારુંએ 3 વનડેની સીરિઝ 2-1થી જીતી.