27 April, 2026 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૅટ કમિન્સના ફેવરિટ ખેલાડીઓના લિસ્ટમાં સામેલ થયો વૈભવ સૂર્યવંશી
શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રૉયલ્સ સામે લાગલગાટ છઠ્ઠી જીત નોંધાવી હતી. જયપુરમાં રેગ્યુલર કૅપ્ટન પૅટ કમિન્સની વાપસી સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે જયપુરનો હાઇએસ્ટ ૨૨૯ રનનો IPL ટાર્ગેટ ચેઝ કરીને પાંચ વિકેટે જીત મેળવી હતી. ઑલરાઉન્ડર પૅટ કમિન્સે ઇન્જરીમાંથી કમબૅક કર્યા બાદ આ મૅચમાં ૪ ઓવરમાં ૨૭ રન આપીને રાજસ્થાનના કૅપ્ટન રિયાન પરાગની વિકેટ લીધી હતી. પૅટ કમિન્સનો સામનો કરી રહેલા વૈભવ સૂર્યવંશીએ તેના પહેલા જ બૉલ પર ગઈ કાલે સિક્સ ફટકારી હતી. ૧૫ વર્ષના વૈભવ વિશે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ કહે છે, ‘હું વૈભવ સૂર્યવંશીનો ચાહક બની ગયો છું. મને તેની રમવાની શૈલી ખરેખર ગમે છે. તે નિર્ભયતાથી રમે છે. મને લાગે છે કે તે મારો નવો પ્રિય ખેલાડી છે. તે બૉલને એટલો જોશથી ફટકારે છે ત્યારે તેને જોવો એક શાનદાર અનુભવ છે. તેને રમતો જોવાની ખૂબ મજા પડે છે.’
વૈભવ સૂર્યવંશીએ આ રેકૉર્ડ પણ બનાવ્યા
IPLમાં બે સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી પહેલો અનકૅપ્ડ ખેલાડી બન્યો છે. ૪૦થી ઓછા બૉલમાં એક કરતાં વધુ IPL સદી ફટકારનાર વૈભવ સૂર્યવંશી પ્રથમ બૅટ્સમૅન બન્યો છે. કુલ મળીને તેણે ૪૦થી ઓછા બૉલમાં ત્રણ T20 સદી ફટકારીને અભિષેક શર્મા અને ઊર્વિલ પટેલની બરાબરી કરી છે. T20માં ૧૫ બૉલ કે એથી ઓછા બૉલમાં સૌથી વધુ ૪ ફિફ્ટી અભિષેક શર્માએ કરી છે. વૈભવ સૂર્યવંશી ૧૫ બૉલમાં ૩ ફિફ્ટી સાથે આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.