25 April, 2026 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયપુરમાં હૈદરાબાદ-રાજસ્થાનનો સામસામેનો રેકૉર્ડ રહ્યો છે ફિફટી-ફિફટી
IPL 2026ના સાતમા ડબલ હેડરની બીજી મૅચ આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. હમણાં સુધી ગુવાહાટીમાં રમનાર રાજસ્થાન રૉયલ્સની ટીમ હવે પોતાની હોમ-મૅચ પોતાના જૂના હોમગ્રાઉન્ડ જયપુરમાં રમશે. રાજસ્થાન હમણાં સુધી સીઝનની સાતમાંથી પાંચ મૅચ જીતીને ટૉપ-ફોરમાં જળવાઈ રહ્યું છે. સાત મૅચમાં ૪ જીત અને ૩ હાર સાથે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પણ ટૉપની ટીમોમાંથી એક છે.
૧૩ એપ્રિલે રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાનને હૈદરાબાદ સામે જ સીઝનની પહેલી હાર મળી હતી. ૫૭ રનની એ હારને કારણે રાજસ્થાનની સતત ચાર જીતનો સિલસિલો તૂટ્યો હતો. છેલ્લી મૅચમાં લખનઉ સામે ૧૬૦ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરનાર રિયાન પરાગ ઍન્ડ કંપની જીતના ટ્રૅક પર જ રહેવાનો પ્રયાસ કરશે.
ઈશાન કિશન અને અભિષેક શર્માની આગેવાનીમાં હૈદરાબાદના બૅટિંગ અને બોલિંગ-યુનિટે રાજસ્થાન સામેની છેલ્લી ટક્કરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રફુલ્લ હિંગે, સાકિબ હુસેન અને ઈશાન મલિંગા ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ટીમનો રેગ્યુલર કૅપ્ટન અને ફાસ્ટ બોલર પૅટ કમિન્સ હવે ટીમના આત્મવિશ્વાસમાં વધારો કરશે. પૅટ કમિન્સે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોતાના કમબૅકની જાહેરાત કરી હતી.
જયપુરના આ મેદાન પર રાજસ્થાનની ટીમ ૬૭ મૅચમાંથી ૪૩ મૅચ જીતી છે અને ૨૪ મૅચ હારી છે. ૨૦૨૫માં આ મેદાન પર રાજસ્થાન પાંચમાંથી માત્ર એક મૅચ જીત્યું હતું જ્યારે ૨૦૨૪માં પાંચમાંથી ચાર મૅચમાં જીત મળી હતી. હૈદરાબાદને અહીં ૪ મૅચમાંથી બે જીત અને બે હાર મળી છે. ૨૦૧૩થી ૨૦૨૩ દરમ્યાન હૈદરાબાદે આ ચારેય મૅચ હોમ-ટીમ સામે જ
રમી હતી.