શિલ્પા અને રાજ આખી રાજસ્થાન રૉયલ્સ ટીમ ખરીદી લેવા માગે છે

05 July, 2012 02:12 AM IST  | 

શિલ્પા અને રાજ આખી રાજસ્થાન રૉયલ્સ ટીમ ખરીદી લેવા માગે છે

નવી દિલ્હી: એનઆરઆઇ બિઝનેસમૅન રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી રાજસ્થાન રૉયલ્સના ફ્રૅન્ચાઇઝીમાં માત્ર ૧૧.૭ ટકાની ઇક્વિટીની માલિકી ધરાવે છે, પરંતુ તેમણે એક ઇન્વેસ્ટરની મદદથી આખી ટીમ ખરીદી લેવાની ઑફર કરી હોવાનું ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ આપેલી માહિતીના આધારે ગઈ કાલે એક અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.

રાજ-શિલ્પાએ ટીમના બીજા કો-ઓનર્સ સુરેશ ચેલારામ, મનોજ બદાલે અને લાકલન મુડોર્કને આ ઑફર કરી હોવાનું મનાય છે. ટીમના બાકીના કો-ઓનર્સ સાથેની વાટાઘાટ ટીમના વેચાણનો ભાવ કેટલો રાખવો એ મુદ્દે અટકી છે. જોકે આ સોદા માટે ક્રિકેટ બોર્ડની મંજૂરી પણ લેવાની બાકી છે. થોડા મહિના પહેલાં ટીમના કેટલાક કો-ઓનર્સે પોતાની ઇક્વિટી કલકત્તાના મનોજકુમાર જૈન નામના બિઝનેસમૅનને વેચવાનો પ્રયત્ન કયોર્ હતો, પરંતુ શૅરહોલ્ડિંગના મૂલ્યના મુદ્દે વાત અટકી પડી હતી.

કેટલામાં ખરીદી? હવે કેટલું મૂલ્ય?

ચેલારામ અને બદાલે એનઆરઆઇ છે. તેમણે તેમ જ મુડોર્ક સહિતના કો-ઓનર્સે ૨૦૦૮માં આઇપીએલની શરૂઆત પહેલાં ક્રિકેટ બોર્ડ પાસેથી આ ટીમ ૬ કરોડ ૭૦ લાખ ડૉલર (૩ અબજ ૩૫ કરોડ રૂપિયા)માં ખરીદી હતી. આ વર્ષની આઇપીએલમાં છેક સાતમા નંબરે રહેલી આ ટીમનું અત્યારે મૂલ્ય ૧૨ કરોડ ડૉલર (૬ અબજ ૬૦ કરોડ રૂપિયા)થી લઈને ૧૬ કરોડ ડૉલર (૮ અબજ ૮૦ કરોડ રૂપિયા) હોવાનું મનાય છે.

રાજસ્થાન રૉયલ્સ સામે કોર્ટમાં કેસો

૨૦૧૦માં ક્રિકેટ બોર્ડે શૅરહોલ્ડિંગ અને ઑનરશિપને લગતા નિયમોના ઉલ્લંઘનના આક્ષેપોને પગલે રાજસ્થાન રૉયલ્સ ટીમના ફ્રૅન્ચાઇઝીનો કૉન્ટ્રૅક્ટ રદ કરી નાખ્યો હતો. આ ટીમને ત્રણ વર્ષ સુધી ઇક્વિટી વેચવાની મનાઈ પણ કરવામાં આવી હતી. જોકે પછીથી ફ્રૅન્ચાઇઝી અને ક્રિકેટ બોર્ડ વચ્ચે કેસ આર્બિટ્રેશનમાં ગયો હતો અને ફ્રૅન્ચાઇઝીને આઇપીએલમાં ભાગ લેવાની છૂટ મળી હતી. આ કેસ હજી કોર્ટમાં ચાલે છે.

૨૦૧૧માં એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટે આ ટીમના કેટલાક ડિરેક્ટરોને ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ ના કથિત ભંગ બદલ નોટિસ મોકલી હતી. આ કેસ પણ હજી ચાલુ છે.

ક્રિકેટ બોર્ડની કઈ બે શરતો છે?

કિંગ્સ ઇલેવન પંજાબે પણ શૅરહોલ્ડિંગ અને ઑનરશિપને લગતા નિયમોનો ભંગ કયોર્ હોવાનો આક્ષેપ થયા પછી એની સામેના કેસો પણ કોર્ટમાં ચાલી રહ્યા છે. ક્રિકેટ બોર્ડે રાજસ્થાન રૉયલ્સને શૅરહોલ્ડિંગની માલિકીનું માળખું બદલી નાખવા કહ્યું છે. આર્બિટ્રેશનનો કેસ પડતો મૂકવા માટે બોર્ડની એવી પણ શરત છે કે ચેલારામે પોતાની ઇક્વિટી સાથીઓનર્સને ૨૦૦૮માં ટીમ ખરીદવામાં આવી એ સમયના મૂળ ભાવે વેચી દેવી જોઈએ.

કોની પાસે કેટલી ઇક્વિટી?

૪૪.૨ „

સુરેશ ચેલારામ ઍન્ડ ફૅમિલી

૩૨.૪ „

મનોજ બદાલે

૧૧.૭ „

લાકલન મુર્ડોક

૧૧.૭ „

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

ટીમનું મૂલ્ય : ૧૨ કરોડ ડૉલર (૬ અબજ ૬૦ કરોડ રૂપિયા)થી લઈને ૧૬ કરોડ ડૉલર (૮ અબજ ૮૦ કરોડ રૂપિયા)

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ

એનઆરઆઇ = નૉન રેસિડન્ટ ઇન્ડિયન