ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડમાં પણ મળશે પાકિસ્તાની ખેલાડીઓને જાકારો

21 February, 2026 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડમાં યોજાતી ધ હન્ડ્રેડની આગામી સીઝન માટે પાકિસ્તાનના ક્રિકેટરો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમની સહ-માલિકી ધરાવતી ફ્રૅન્ચાઇઝીઓ સાથેના કરાર ગુમાવી શકે છે.

ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડમાં પણ મળશે પાકિસ્તાની ખેલાડીઓને જાકારો

ઇંગ્લૅન્ડમાં યોજાતી ધ હન્ડ્રેડની આગામી સીઝન માટે પાકિસ્તાનના ક્રિકેટરો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમની સહ-માલિકી ધરાવતી ફ્રૅન્ચાઇઝીઓ સાથેના કરાર ગુમાવી શકે છે. જાણવા મળ્યા અનુસાર આ ટીમો આગામી મહિનાના ઑક્શનમાં પાકિસ્તાનના ખેલાડીઓ પર બોલી લગાવવાથી દૂર રહેશે. ટુર્નામેન્ટની ૮ ટીમમાંથી ૪ ટીમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમના માલિકોનો હિસ્સો પણ છે.

મોહમ્મદ આમિર, શાહીન આફ્રિદી, શાદાબ ખાન અને હારિસ રઉફ સહિત અન્ય ઘણા પાકિસ્તાની ખેલાડીઓએ ધ હન્ડ્રેડમાં ભાગ લીધો છે, પરંતુ અત્યાર સુધી કોઈ પાકિસ્તાની મહિલા ક્રિકેટર સ્પર્ધામાં જોવા નથી મળી. એ નોંધનીય છે કે ૨૦૨૩માં સાઉથ આફ્રિકાની SA20 લીગ લૉન્ચ થયા પછી કોઈ પણ પાકિસ્તાની ક્રિકેટર એમાં ભાગ લઈ શક્યો નથી. એ ટુર્નામેન્ટની બધી ૬ ટીમો IPL સાથે જોડાયેલાં ફ્રૅન્ચાઇઝી જૂથોની માલિકીની છે. એવી જ રીતે યુનાઇટેડ આરબ એમિરેટ્સના ILT20માં MI લંડન અને સધર્ન બ્રેવ્સના માલિકો દ્વારા નિયંત્રિત ફ્રૅન્ચાઇઝીએ ચાર સીઝનમાં એક પણ પાકિસ્તાની ખેલાડી સાથે કરાર કર્યો નથી.

ઑક્શન માટે ૬૩ પાકિસ્તાનીઓએ નામ નોંધાવ્યું છે
આગામી મેન્સ ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટના ઑક્શન માટે વિશ્વભરના ટોટલ ૭૧૦ ખેલાડીઓએ નામ નોંધાવ્યાં છે. પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગા, શાહીન આફ્રિદી અને ઉસ્માન તારિક સહિત ૬૩ પાકિસ્તાની ખેલાડીઓનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. છેલ્લી સીઝનમાં માત્ર બે પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિર અને મોહમ્મદ વસીમ આ ટુર્નામેન્ટ રમ્યા હતા.

 ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ અહેવાલ વિશે ઝડપથી કાર્યવાહી અને તપાસ કરવાની જરૂર છે. તેઓ લીગના માલિક છે અને આવું થવા દેવું ન જોઈએ. દેશની સૌથી સમાવિષ્ટ રમતમાં આવું ન થવું જોઈએ.
- ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉન

shahid afridi mohammad amir pakistan cricket news sports news