24 July, 2023 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયા ‘એ’નો ફાઇનલમાં પાકિસ્તાન ‘એ’ સામે પરાજય
ઇન્ડિયા ‘એ’નો ફાઇનલમાં પાકિસ્તાન ‘એ’ સામે પરાજય
કોલંબોમાં ગઈ કાલે એસીસી મેન્સ ઇમર્જિંગ કપની ફાઇનલમાં ઇન્ડિયા ‘એ’નો પાકિસ્તાન ‘એ’ સામે ૧૨૮ રનથી પરાજય થયો હતો. યશ ધુલના સુકાનમાં ભારતીય ટીમને જીતવા ૩૫૩ રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો હતો અને તેની ટીમ ૪૦ ઓવરમાં બનેલા ૨૨૪ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં એની હાર થઈ હતી. પાકિસ્તાની ટીમનો ચોથા નંબરનો બૅટર તૈયબ તાહિર (૧૦૮ રન, ૭૧ બૉલ, ચાર સિક્સર, બાર ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. પાકિસ્તાનના સઇમ અયુબ (૫૯) અને સાહિબઝાદા ફરહાન (૬૫)ની હાફ સેન્ચુરી પણ ભારતીયોને નડી હતી. ભારત વતી રાજ્યવર્ધન હંગારગેકર અને રિયાન પરાગે બે-બે વિકેટ લીધી હતી.
ભારતીય ટીમમાં એકમાત્ર અભિષેક શર્મા (૬૧ રન, ૫૧ બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરી હતી. અન્ય બૅટર્સ મોટી ઇનિંગ્સ નહોતા રમી શક્યા એને કારણે ભારતે મોટા માર્જિનથી હાર જોવી પડી હતી. ખુદ કૅપ્ટન યશ ધુલ ૩૯ રને વિકેટ ગુમાવી બેઠો હતો. સુફિયાન મુકીમે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
પોલૅન્ડે રશિયન પ્લેયરને ઍરપોર્ટ પરથી જ પાછી મોકલી દીધી
એક સમયની વર્લ્ડ નંબર-ટૂ અને હાલમાં છેક ૭૯૭મો રૅન્ક ધરાવતી રશિયાની ટેનિસ પ્લેયર વેરા ઝ્વોનારેવા શુક્રવારે ફ્રેન્ચ વિઝા પર બેલગ્રેડથી પોલૅન્ડમાં વૉર્સોના વિમાની મથકે આવી ત્યારે સલામતી રક્ષકોએ પોલૅન્ડ સરકારના આદેશ મુજબ તેને ઍરપોર્ટની બહાર નહોતી જવા દીધી અને પાછી ચાલ્યા જવાનું કહ્યું હતું. તે એક વિમેન્સ ટેનિસ ટુર્નામેન્ટમાં રમવા આવી હતી. રશિયા સામેના યુદ્ધમાં પોલૅન્ડનો યુક્રેનને ટેકો છે.
ભારતનો સુમીત નાગલ ફિનલૅન્ડમાં ટેનિસનું ટાઇટલ જીત્યો
ભારતનો ટેનિસ ખેલાડી સુમીત નાગલ ફિનલૅન્ડમાં ટેમ્પિયર ઓપનનું ટાઇટલ જીત્યો છે. તેણે ફાઇનલમાં ચેક રિપબ્લિકના ડેલિબોર સીવચીનાને ૬-૪, ૭-૫થી હરાવ્યો હતો. નાગલ પાંચ એટીપી સ્પર્ધામાં રમ્યો છે, જેમાંથી ચારમાં ટાઇટલ જીત્યો છે. આ વર્ષનું તેનું આ બીજું ટાઇટલ છે. એપ્રિલમાં તે રોમની ગાર્ડન ઓપન સ્પર્ધા જીત્યો હતો.
મહારાષ્ટ્રના તોડકર સામે હારતાં એશિયન ગેમ્સમાંથી દહિયાની બાદબાકી
ભારતીય કુસ્તીબાજોમાં ‘મશીન’ તરીકે જાણીતો ઑલિમ્પિક મેડલિસ્ટ રવિ દહિયા એશિયન ગેમ્સમાં ભાગ નહીં લઈ શકે. દિલ્હીમાં આ એશિયન રમતોત્સવ માટેની ૫૭ કિલો વર્ગની ટ્રાયલમાં મહારાષ્ટ્રના ઓછા જાણીતા રેસલર આતિશ તોડકરે તેને હરાવી દેતાં તે (દહિયા) એશિયન ગેમ્સમાં ભાગ નહીં લઈ શકે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો તોડકર પોતાને હરાવી દેશે એવું દહિયાએ નહીં ધાર્યું હોય. જેમણે દહિયાને કુસ્તી કરતો જોયો છે તેઓ જાણે છે કે ભારતીય કુસ્તીબાજો તેની સામે બે પૉઇન્ટ પણ માંડ-માંડ મેળવી શકતા હોય છે. તોડકરે દહિયાના ખભાને જમીનદોસ્ત કર્યો ત્યારે તોડકર ૨૦-૮થી આગળ હતો.