16 May, 2026 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૩૬.૮૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને લખનઉનો ઓપનર ૩૮ બૉલમાં ૯૦ રન ફટકારીને રનઆઉટ થયો હતો
ગઈ કાલે એકાના સ્ટેડિયમમાં પહેલી વખત ચેન્નઈ સુપર કિંગ્સને ૭ વિકેટે હરાવીને એક અઠવાડિયામાં ચેપૉકમાં મળેલી હારનો બદલો લીધો હતો. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ચેન્નઈએ ખરાબ શરૂઆત છતાં ૨૦ વર્ષના કાર્તિક શર્માના ૭૧ રનની મદદથી ૧૮૭-૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં લખનઉએ ઓપનર્સ ૧૩૫ રનની ભાગીદારીના આધારે ૧૬.૪ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૮૮ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
સતત ત્રણ જીત બાદ મળેલી હારને કારણે ચેન્નઈએ પ્લેઑફ માટે જરૂરી ૧૬ પૉઇન્ટ મેળવવા હૈદરાબાદ અને ગુજરાત સામેની અંતિમ બન્ને મૅચ જીતવી પડશે.
લખનઉના ફાસ્ટ બોલર આકાશ સિંહના તરખાટને કારણે ચેન્નઈએ ૭.૨ ઓવરમાં બાવન રનના સ્કોરે ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ચોથા ક્રમે રમીને કાર્તિક શર્માએ ૪૨ બૉલમાં ૬ ફોર અને પાંચ સિક્સની મદદથી ૭૧ રન ઝૂડી નાખ્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસે ૧૬ બૉલમાં પચીસ રન અને શિવમ દુબેએ ૧૬ બૉલમાં ૩૨ રન કર્યા હતા. ૧૬ ઓવર બોલર્સ પાસે કરાવનાર લખનઉ માટે મોહમ્મદ શમી અને શાહબાઝ અહમદે પણ એક-એક વિકેટ લીધી હતી.
લખનઉના ઓપનર્સે ૧૧.૪ ઓવરમાં ૧૩૫ રનની ભાગીદારી કરીને સફળ રન-ચેઝનો મજબૂત પાયો નાખ્યો હતો. મિચલ માર્શે ૩૮ બૉલમાં ૯ ફોર અને ૭ સિક્સ ફટકારીને ૯૦ રન ઝૂડી નાખ્યા હતા. જૉશ ઇંગ્લિસે ૩૨ બૉલમાં ત્રણ ફોર અને એક સિક્સની મદદથી ૩૬ રન કર્યા હતા.
૧૭ બૉલમાં ૩૨ રન કરનાર નિકોલસ પૂરને અંશુલ કમ્બોજની ૧૭મી ઓવરમાં સતત ૪ સિક્સ ફટકારી મૅચને ૨૦ બૉલ પહેલાં ફિનિશ કરી નાખી હતી. ચેન્નઈ માટે મુકેશ ચૌધરીએ બે વિકેટ લીધી હતી.
મૅચ પહેલાં તોફાનમાં જીવ ગુમાવનારાઓને આપવામાં આવી શ્રદ્ધાંજલિ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એકાના સ્ટેડિયમમાં ગઈ કાલે ચેન્નઈ અને લખનઉના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમ્યા હતા. ગુરુવારે ઉત્તર પ્રદેશમાં તીવ્ર વાવાઝોડાને લીધે ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા એ દિવંગત લોકોને શ્રદ્ધાંજલિ આપવા બન્ને ટીમના પ્લેયર્સ અને અમ્પાયર સહિત સ્ટેડિયમમાં હાજર લોકોએ મૅચ પહેલાં મૌન પાળ્યું હતું.