ભારત સામે સિરીઝ જીત્યા બાદ લૉરા વૉલ્વાર્ટ T20 કરીઅરની સર્વોચ્ચ રૅન્કિંગ પર પહોંચી ગઈ

29 April, 2026 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વિમેન્સ T20 દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ ૩૩૦ રન ફટકારનારી બૅટર બની...

T20 સિરીઝ અને પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફી સાથે લૉરા વૉલ્વાર્ટ

ભારતીય મહિલા ટીમ સામે ૪-૧થી પાંચ T20 મૅચની સિરીઝ જીત્યા બાદ સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. વન-ડે બૅટર્સમાં બીજો ક્રમ ધરાવતી લૉરા વૉલ્વાર્ટ પોતાની T20 કરીઅરના સર્વોચ્ચ ત્રીજા ક્રમના રૅન્કિંગ પર પહોંચી ગઈ છે. ૭૮૬ પૉઇન્ટ સાથે તેણે આ સ્થાન મેળવ્યું છે.

ભારત સામેની સિરીઝમાં એક સેન્ચુરી અને ત્રણ ફિફ્ટીની મદદથી ૩૩૦ રન કરીને લૉરા પ્લેયર ઑફ ધ સિરીઝ બની હતી. તે એક T20 વિમેન્સ દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ રન કરનાર બૅટર બની ગઈ છે. આ સિદ્ધિને પગલે તેણે આગામી વિમેન્સ T20 વર્લ્ડ કપ પહેલાં ગજબનો આત્મવિશ્વાસ મેળવી લીધો છે.

છેલ્લા બન્ને વિમેન્સ T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને ફાઇનલ મૅચમાં હાર મળી છે. લૉરા વૉલ્વાર્ટ આ બન્ને ફાઇનલ મૅચોમાંથી ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે પ્લેયર તરીકે અને ૨૦૨૪માં ન્યુ ઝીલૅન્ડ સામે કૅપ્ટન તરીકે રમી હતી. ૨૦૨૫માં વન-ડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામે હારનાર આ કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ સતત મળી રહેલી આ નાલેશીનો સિલસિલો તોડવા આતુર હશે. 

south africa world t20 t20 world cup cricket news sports news