News In Short: કમલેશ જૈન ટીમ ઇન્ડિયાના નવા ફિઝિયોથેરપિસ્ટ

08 June, 2022 09:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નીતિન પટેલની બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં નિયુક્તિ થઈ છે

કમલેશ જૈન ટીમ ઇન્ડિયાના નવા ફિઝિયોથેરપિસ્ટ

કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમના સપોર્ટ-સ્ટાફમાં રહી ચૂકેલા કમલેશ જૈન ભારતીય ટીમના નવા ફિઝિયોથેરપિસ્ટ બન્યા છે. તેઓ નીતિન પટેલના સ્થાને નિયુક્ત થયા છે. નીતિન પટેલની બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં નિયુક્તિ થઈ છે. સોમવારે દિલ્હીમાં કે. એલ. રાહુલના નેતૃત્વમાં ભારતીય ટીમે ત્રણ કલાક પ્રૅક્ટિસ કરી હતી અને કમલેશ જૈન ખેલાડીઓની સતત મદદે રહ્યા હતા. સાઉથ આફ્રિકા સામેની ૯ જૂનની દિલ્હીની પ્રથમ ટી૨૦ પછી બીજી ચાર મૅચ કટક, વિઝાગ, રાજકોટ અને બૅન્ગલોરમાં રમાવાની છે.

સાઉથ આફ્રિકનો ઑસ્ટ્રેલિયામાં નહીં રમે વન-ડે સિરીઝ

સાઉથ આફ્રિકાના ક્રિકેટરો આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટેસ્ટ-સિરીઝ રમ્યા પછી શેડ્યુલ મુજબની વન-ડે શ્રેણી નહીં રમે, કારણ કે દેશની ડોમેસ્ટિક ટી૨૦ લીગ ટુર્નામેન્ટના આયોજકોએ પ્લેયર્સને ટેસ્ટ-સિરીઝ પછી જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયામાં રહેવાની મનાઈ કરી છે. આ ખેલાડીઓએ દેશની ટી૨૦ લીગમાં રમવું જ પડશે. જાન્યુઆરીમાં બિગ બૅશ લીગ તેમ જ નવી યુએઈ ટી૨૦ લીગ પણ રમાવાની છે.

આનંદની ગેમ ડ્રૉ, મૅગ્નસ કાર્લસન મોખરે થઈ ગયો

નૉર્વે ચેસ ટુર્નામેન્ટની ક્લાસિકલ ઇવેન્ટમાં રવિવારે વિશ્વનાથન આનંદ વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસનને હરાવીને સ્પર્ધાના બધા ખેલાડીઓમાં અવ્વલ થઈ ગયો હતો, પરંતુ ગઈ કાલે આનંદ અને નેધરલૅન્ડ્સના અનીશ ગિરિની ગેમ ડ્રૉ થવાને પગલે અને કાર્લસને અઝરબૈજાનના હરીફ શખરીયારને હરાવવાને પગલે આનંદ બીજા નંબરે આવી ગયો હતો અને કાર્લસનને મોખરે થવા મળ્યું હતું. આનંદ-અનીશની મુખ્ય મૅચ ડ્રૉ થયા બાદ સડન ડેથ ગેમમાં પણ કોઈ પરિણામ ન આવતાં લિસ્ટમાં આનંદ ૧૧.૫ પૉઇન્ટ સાથે બીજે અને કાર્લસન (૧૨.૫) પ્રથમ રહ્યો હતો.

sports news cricket news kolkata knight riders