23 April, 2025 07:00 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કોલકાતા નાઇટ રાઇડર્સ
IPL 2025ની ૩૯મી મૅચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તાનું બૅટિંગ-યુનિટ છેલ્લી મૅચમાં પંજાબ કિંગ્સના ૧૧૨ રનના ટાર્ગેટ સામે ૯૫ રનમાં ધરાશાયી થઈ ગયું હતું. આજે તેમને ટેબલ-ટૉપર્સ ગુજરાતનો મજબૂત પડકાર મળશે. કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં બન્ને ટીમ વચ્ચે રમાયેલી એક મૅચમાં ગુજરાતે બાજી મારી હતી.
કલકત્તાએ તેના ભૂતપૂર્વ સહાયક કોચ અભિષેક નાયરને ટીમ-મૅનેજમેન્ટ સાથે ફરીથી જોડ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તાજેતરમાં નાયરને રાષ્ટ્રીય ટીમના સહાયક કોચ પદ પરથી દૂર કરવામાં આવ્યો હતો. નાયરે પહેલાંથી જ વાઇસ-કૅપ્ટન વેન્કટેશ ઐયર અને રમણદીપ સિંહ જેવા બૅટ્સમેન સાથે કામ કરવાનું શરૂ કરી દીધું છે. કૅપ્ટન અજિંક્ય રહાણેના નેતૃત્વમાં સાતમાંથી ત્રણ મૅચ જીત્યું છે અને ચાર મૅચ હાર્યું છે.
અભિષેક નાયર
શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. આ સીઝનમાં તેમને અત્યાર સુધી ફક્ત બે મૅચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કિષ્ના (૧૪ વિકેટ) અને ઓપનર સાઈ સુદર્શન (૩૬૫ રન) અનુક્રમે પર્પલ કૅપ અને ઑરેન્જ કૅપની રેસમાં હરીફ ટીમના પ્લેયર્સને બરાબરની ટક્કર આપી રહ્યા છે.
સ્લો ઓવર-રેટ બદલ ગુજરાતના કૅપ્ટન ગિલને ૧૨ લાખ રૂપિયાનો દંડ થયો
શનિવારે અમદાવાદમાં દિલ્હી કૅપિટલ્સ સામેની સાત વિકેટની જીત બાદ ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલ પર દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્તમાન સીઝનમાં સ્લો ઓવર-રેટના પહેલા ગુના બદલ તેને ૧૨ લાખ રૂપિયાનો ફાઇન થયો છે. IPL 2025માં આ દંડનો સામનો કરનાર તે સાતમો કૅપ્ટન છે. આ પહેલાં રાજસ્થાન (બે વાર), મુંબઈ, બૅન્ગલોર, લખનઉ અને દિલ્હીના કૅપ્ટન્સને આ પ્રકારનો એક વારનો દંડ થયો છે.