18 September, 2016 06:33 AM IST |
બ્રાઝિલમાં ચાલી રહેલી પૅરાલિમ્પિક્સમાં હરિયાણાની દીપા મલિકે શૉટ પુટમાં ૪.૬૧ મીટરના પર્ફોર્મન્સ સાથે બીજા નંબરે રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પહેલી ભારતીય ખેલાડી બની ગઈ હતી. દીપા તેના આ ઐતિહાસિક પર્ફોર્મન્સ બાદ ગઈ કાલે ભારત પાછી ફરી હતી અને દિલ્હી ઍરપોર્ટ પર ફૂલમાળા અને ઢોલ-નગારા સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપાનું સ્વાગત કરવા ઍરપોર્ટ પર ચાહકો, પરિવારજનો ઉપરાંત હરિયાણા સરકારના પ્રધાન અનિલ વિજ પણ મોજૂદ હતા.
દીપાના સ્વાગત માટે તે અત્યારે જે શહેરમાં રહે છે એ ગુડગાંવના એક બાઇકર ગ્રુપે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી ગુડગાંવના નિવાસસ્થાન સુધી એક રૅલીનુ આયોજન કર્યું હતું.
ચાહકો, પરિવારજનો અને સરકારનો આભાર માનતાં દીપાએ જણાવ્યું હતું કે ‘હું ખૂબ ગર્વ અનુભવી રહી છું. હું હવે મહેસૂસ કરું છું કે મારા હાથમાં જે મેડલ છે એ મારો છે. આ હકીકત છે અને એનાથી હું ખૂબ ખુશ છું. આપણે ઇતિહાસ તો રચી દીધો છે, પણ હવે વધુ મહેનત કરવાની જરૂર છે. જો પોતાના પર વિશ્વાસ રાખીએ તો બધાં જ લક્ષ હાંસલ કરી શકાય છે. મારા પરિવારજનો ઉપરાંત દેશ માટે પણ આ એક ગર્વ લેવાનો પ્રસંગ છે.’