ઓપનરોનું ફૉર્મ ટીમ ઇન્ડિયા માટે છે ગંભીર ચિંતાનો વિષય

05 September, 2012 05:22 AM IST  | 

ઓપનરોનું ફૉર્મ ટીમ ઇન્ડિયા માટે છે ગંભીર ચિંતાનો વિષય

હરિત એન. જોશી

મુંબઈ, તા. ૫

સોમવારે બૅન્ગલોરમાં ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચના ચોથા દિવસે કૉમેન્ટેટર સૌરવ ગાંગુલીએ તેના કૅપ્ટન તરીકેના કાર્યકાળ દરમ્યાન ટીમ ઇન્ડિયાએ વિદેશની ધરતી પર મેળવેલી રેકૉર્ડ ૧૩ જીત માટે બૅટ્સમેનોને ક્રેડિટ આપી હતી. ઉપરાંત ઓપનરોનાં સારી શરૂઆત આપીને જીત માટે પાયો નાખવા બદલ ખાસ વખાણ કર્યા હતાં. આમ ટેસ્ટમાં જીત માટે સારી શરૂઆત અનિવાર્ય છે.

તાજેતરનાં વષોર્માં દિલ્હીની જોડી વીરેન્દર સેહવાગ અને ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની આ શરૂઆતની જવાબદારી સુપેરે નિભાવી છે અને એના કારણે ટીમ ઇન્ડિયા ૨૦૦૯માં નંબર વન ટેસ્ટ-ટીમ સુધી મજલ કાપી શકી હતી. સેહવાગ અને ગંભીરની જોડી ૮૧ ઇનિંગ્સમાં ૪૦૪૮ રન બનાવીને ભારતની સૌથી સફળ અને વર્લ્ડની પાંચમા નંબરની ઓપનિંગ જોડી બની ગઈ છે, પણ છેલ્લા થોડા સમયથી આ જોડીને નજર લાગી ગઈ છે.

સોમવારે આ જોડીએ કરેલી ૭૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ એ તેમની છેલ્લી ૧૨ ઇનિંગ્સની પહેલી હાફ સેન્ચુરી હતી. છેલ્લી ૨૦ ઇનિંગ્સથી આ જોડી એક પણ સેન્ચુરી પાર્ટનરશિપ નથી કરી શકી. છેલ્લે ૨૦૧૦માં સાઉથ આફ્રિકામાં ૧૩૭ રન બનાવ્યા હતા અને એ પછી અત્યાર સુધી તેઓ પાંચ વાર ૫૦ કરતાં વધુ રન બનાવી શક્યા છે.

ગયા વર્ષે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની સિરીઝમાં નામોશીમાં આ ઓપનિંગ જોડીની નિષ્ફળતાનો પણ મોટો ફાળો હતો. બન્ને ખેલાડીઓ વ્યક્તિગત રીતે પણ કોઈ મોટી ઇનિંગ્સ નથી રમ્યા. ૨૦૧૦માં અમદાવાદમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૭૩ રન એ સેહવાગની છેલ્લી સેન્ચુરી છે, જ્યારે ગંભીરે પણ એ જ વર્ષે બંગલા દેશ જેવી નબળી ટીમ સામે સેન્ચુરી ફટકારી હતી.

કિવી જેવી નબળી ટીમ સામે તો આપણે જીતવામાં સફળ થયા, પણ હવે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે જીતવા માટે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવો ખૂબ જરૂરી છે. સિલેક્ટરોએ અત્યારથી જ આ વિષય પર નવી અજમાઈશ વિશે વિચાર કરવાનું શરૂ કરી દેવું પડશે.

વીરુ-ગંભીરની છેલ્લી ૨૦ ભાગીદારી

૨૦૧૧, સાઉથ આફ્રિકા સામે : ૧૯ અને ૨૭, ૨૦૧૧, ઇંગ્લૅન્ડ સામે : ૮ અને ૩, ૨૦૧૧, વેસ્ટ ઇન્ડીઝ સામે : ૮૯ અને ૫૧, ૨૦૧૧, વેસ્ટ ઇન્ડીઝ સામે : ૬૬, ૨૦૧૨, વેસ્ટ ઇન્ડીઝ સામે: ૬૭ અને ૧૯, ૨૦૧૧, ઑસ્ટ્રેલિયા સામે : ૨૨ અને ૧૭, ૨૦૧૨, ઑસ્ટ્રેલિયા સામે : ૪ અને ૨૪, ૨૦૧૨, ઑસ્ટ્રેલિયા સામે : ૨૬ અને ૧૪, ૨૦૧૨, ન્યુ ઝીલૅન્ડ સામે : ૪૯, ૨૦૧૨, ન્યુ ઝીલૅન્ડ સામે : ૫ અને ૭૭