ચેતન શર્મા જ ફરી બન્યા ચીફ સિલેક્ટર

08 January, 2023 06:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિના સભ્ય બનવા કુલ ૬૦૦ અરજી આવી હતી, વેન્કટેશ પ્રસાદ અને અજિત આગરકરનાં નામો ચર્ચામાં હતાં,

ચેતન શર્મા

ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિના સભ્ય બનવા કુલ ૬૦૦ અરજી આવી હતી, વેન્કટેશ પ્રસાદ અને અજિત આગરકરનાં નામો ચર્ચામાં હતાં, પરંતુ આશ્ચર્ય વચ્ચે ચેતન શર્મા જ બાજી મારી ગયા 
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ગઈ કાલે ભારતીય ટીમ માટે નવી પસંદગી સમિતિની ઘોષણા કરી હતી. ફરી એક વખત ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન શર્માને જ નવા ચીફ સિલેક્ટર તરીકે પસંદ કરાયો છે. ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ખરાબ પ્રદર્શન બાદ ક્રિકેટ બોર્ડે સિલેક્શન સમિતિને હટાવી દીધી હતી. ત્યાર બાદ નવી સમિતિ બનાવવામાં આવી છે. આ સ​મિતિના અધ્યક્ષ પણ ચેતન શર્મા જ છે. 
હાલ ભારતીય ટીમ શ્રીલંકા સામે ટી૨૦ સિરીઝ રમી રહી છે. ત્યાર બાદ વન-ડે સિરીઝ થવાની છે. નવી સિલેક્શન કમિટીની પાસે હવે ન્યુ ઝીલૅન્ડ સિરીઝ માટે ટીમ પસંદગીનો પડકાર હશે. સાથે જ ટી૨૦ ફૉર્મેટ માટે અલગ કૅપ્ટન બનાવવામાં આવશે. ત્યાર બાદ વન-ડે વર્લ્ડ કપ થવાનો છે. એ માટે પણ રોડમેપ અત્યારથી જ તૈયાર કરવાનો હશે. 
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ઘોષણા કરી હતી કે સુલક્ષણા નાયક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટી દ્વારા નવી ઑલ ઇન્ડિયા સિલેક્શન સમિતિની પસંદગી કરવામાં આવી હતી. એ માટે અંદાજે ૬૦૦ જેટલી અરજીઓ આવી હતી. ત્યાર બાદ ૧૧ જણના પર્સનલ ઇન્ટરવ્યૂ થયા હતા. છેલ્લે ઍડ્વાઇઝરી કમિટીએ પાંચની પસંદગી કરી છે. વેન્કટેશ પ્રસાદ અને અજિત આગરકર જેવાં નામો પણ સ્પર્ધામાં હતાં, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે ચેતન શર્માને જ ફરીથી ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે.

cricket news sports news