15 January, 2023 07:58 PM IST | Mumbai | Ajay Motivala
વિમેન્સ ક્રિકેટનો કરિશ્માઃ અપ્રોચ પ્રોફેશનલ અને પર્ફોર્મન્સ પાવરફુલ
પુરુષોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આરંભ બાદ ૧૫ વર્ષે હવે મહિલાઓની પણ આઇપીએલ આવી રહી છે. પહેલી જ વખત અન્ડર-19 ગર્લ્સ ટી૨૦ વર્લ્ડ કપ અત્યારે સાઉથ આફ્રિકામાં રમાઈ રહ્યો છે અને આવતા મહિને આઇસીસી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ રમાશે. રણજી ટ્રોફીમાં મહિલા અમ્પાયર્સે તાજેતરમાં ડેબ્યુ કરીને નવો ઇતિહાસ સરજ્યો છે. ક્રિકેટમાં મહિલા કૉમેન્ટેટર્સનો મધુર અવાજ તો ઘણા વખતથી સાંભળવા મળી રહ્યો છે.
ક્રિકેટમાં હવે પુરુષોથી મહિલાઓ જરાય પાછળ નથી. હાસ્તો, આગામી માર્ચમાં જે વિમેન્સ આઇપીએલ શરૂ થવાની છે એ પાક્કા પ્રોફેશનલ ધોરણે રમાવાની છે. નિયમો તો મોટા ભાગે મેન્સ આઇપીએલ જેવા જ હશે, એના ફ્રૅન્ચાઇઝીનાં સિલેક્શન અને ખેલાડીઓના ઑક્શન માટે પણ તખ્તો લગભગ તૈયાર થઈ ગયો છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ આઇપીએલ શરૂ કરવા બાબતે એક વાતે મક્કમ છે કે દેશનાં જે રાજ્યોમાં મહિલા ક્રિકેટના ફેલાવા માટે ખૂબ અવકાશ છે એના જ મોટા શહેરમાં કોઈ વિમેન્સ આઇપીએલ ટીમનો બેઝ હશે. અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે એટલે ફ્રૅન્ચાઇઝીઓ માટેનાં શહેરોમાં અમદાવાદ તો કદાચ હશે જ.
મહિલાઓનો ક્રિકેટમાં રસ વધ્યો
૨૦૦૮માં લલિત મોદીએ આઇપીએલની શરૂઆત કરી ત્યારથી મહિલાઓને ક્રિકેટનું જરા પણ વળગણ નહોતું. જેમને ક્રિકેટની રમત નહોતી ગમતી તેઓ પણ કમસે કમ આઇપીએલની મૅચ જોતી થઈ ગઈ છે. એટલું જ નહીં, પોતાના ફેવરિટ ક્રિકેટરના પર્ફોર્મન્સનો ટ્રૅક રાખતી પણ થઈ ગઈ છે. મહિલા ક્રિકેટ સ્પર્ધાઓ પણ ઘણાં શહેરોમાં સ્થાનિક સ્તરે રમાવા લાગી છે. ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ને તો ૧૪ વર્ષ થઈ ગયાં છે.
અહીં સબ્જેક્ટ વિમેન્સ ક્રિકેટનો અને ખાસ કરીને વિમેન્સ આઇપીએલનો છે એટલે ખાસ જણાવવાનું કે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મેન્સની જેમ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તો લોકોનો રસ વધી જ રહ્યો છે, હવે વિમેન્સ આઇપીએલમાં પણ શરૂઆતથી જ ઇન્ટરેસ્ટ જોવા મળશે. જુઓને, મેન્સ આઇપીએલના ૧૦માંથી મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ સહિત ૮ ફ્રૅન્ચાઇઝીઓએ મહિલાઓની આઇપીએલ ટીમ ખરીદવામાં રસ દેખાડ્યો છે.
સ્વાભાવિક છે કે આપણા મેન્સ આઇપીએલ ફ્રૅન્ચાઇઝીના માલિકો જો સાઉથ આફ્રિકા અને યુએઈની નવી ટી૨૦ લીગની ટીમ ખરીદે તો આપણી પોતાની વિમેન્સ આઇપીએલની ટીમને કેમ ન પાડી દે!
ઑક્શનમાં જોઈશું સરપ્રાઇઝિસ
પાવરફુલ પર્ફોર્મન્સ આપતી સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, જેમાઇમા રૉડ્રિગ્સ જેવી વિમેન્સ ક્રિકેટની ખ્યાતનામ ખેલાડીઓવાળી ટીમ ખરીદવામાં કોને રસ ન હોય! આ અને આવી બીજી અનેક ખેલાડીઓ વિમેન્સ આઇપીએલને રૉકિંગ અને એક્સાઇટિંગ સ્ટાર્ટ અપાવશે એમાં કોઈ શક નથી.
કોણ કરોડોમાં રમશે?
ફેબ્રુઆરીના ઑક્શનમાં વિમેન્સ ભારતીય પ્લેયર્સ માટેની બેઝ પ્રાઇસ ૩૦થી ૫૦ લાખ રૂપિયા રાખવામાં આવશે; પરંતુ સ્મૃતિ, શેફાલી, રિચા, હરમનપ્રીત, જેમાઇમા અને રેણુકા સિંહ જેવી ખેલાડીઓને મેળવવા ફ્રૅન્ચાઇઝીઓ ચાર-પાંચ કરોડ રૂપિયા સુધીની બિડ મૂકશે તો નવાઈ નહીં. મહિલા ક્રિકેટની આપણી બે લેજન્ડ્સ મિતાલી રાજ (વન-ડે વિશ્વમાં હાઇએસ્ટ ૭૮૦૫ રન) અને ઝુલન ગોસ્વામી (વન-ડે વિશ્વમાં હાઇએસ્ટ ૨૫૫ વિકેટ) પણ રોમાંચ જગાવશે.
ટૂંકમાં કહીએ તો, ૨૦૨૩નું વર્ષ મેન્સ ક્રિકેટમાં ઓડીઆઇ વર્લ્ડ કપનું વર્ષ બની રહેશે તો બીજી બાજુ વિમેન્સ ક્રિકેટ માટે પણ યાદગાર યર કહેવાશે એમાં કોઈ શંકા નથી.