ન્યૂઝ શૉર્ટમાં : પાકિસ્તાનનાં ત્રણ શહેરમાં રમાશે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 અને વધુ સમાચાર

30 April, 2024 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપ 2024 માટેની ભારતીય ટીમ પહેલી મેએ જાહેર થઈ શકે છે , ભારતને વર્લ્ડ કપ જિતાડી આપનાર ગૅરી કર્સ્ટન પાકિસ્તાનને બનાવી શકશે T20 ચૅમ્પિયન? 

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ના ડ્રાફ્ટ શેડ્યુલની સાથે ત્રણ પ્રસ્તાવિત શહેરોનાં નામ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને મોકલ્યાં છે જેમાં લાહોર, રાવલપિંડી અને કરાચીને સામેલ કરવામાં આવ્યાં છે. ICCની સુરક્ષા ટીમે પાકિસ્તાનનાં ત્રણેય શહેરના સ્ટેડિયમની વ્યવસ્થા જોવા એની મુલાકાત પણ લીધી હતી. ડ્રાફ્ટ શેડ્યુલમાં હાલમાં ભારતની મૅચોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શક્ય છે કે જુલાઈમાં યોજાનારી ICCની વાર્ષિક કૉન્ફરન્સમાં આના પર કેટલીક મંજૂરી જોવા મળે. પાકિસ્તાને છેલ્લે ૧૯૯૬માં ભારત-શ્રીલંકા સાથે મળીને વન-ડે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. હવે ૨૯ વર્ષ બાદ પાકિસ્તાનમાં કોઈ ICC ટુર્નામેન્ટ રમાશે.

T20 વર્લ્ડ કપ 2024 માટેની ભારતીય ટીમ પહેલી મેએ જાહેર થઈ શકે છે : જૂનમાં યોજાનારા વર્લ્ડ કપ માટે બાવીસમી મેએ રવાના થઈ શકે છે ટીમનો પહેલો બૅચ

પહેલી જૂનથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ બોર્ડ પહેલી મેએ ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર, દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચ રમવા દિલ્હી આવેલા ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત આગરકર વચ્ચે શનિવારે અનઑફિશ્યલ મીટિંગ થઈ હતી. આવતી કાલે ડેડલાઇન પૂરી થવાના દિવસે ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. ટીમના પહેલા બૅચના કેટલાક ખેલાડી બાવીસમી મેએ વર્લ્ડ કપ માટે ભારતથી રવાના થઈ શકે છે, જેની ટીમો પ્લેઑફથી બહાર હશે. સિલેક્શન કમિટી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રદર્શનને નહીં પરંતુ વેસ્ટ ઇન્ડીઝની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેલાડીઓની પસંદગી કરશે. 

કૉમેન્ટેટર આકાશ ચોપડાની T20 વર્લ્ડ કપ ટીમમાં હશે કોણ-કોણ?


માત્ર ૧૦ ટેસ્ટમૅચ રમેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપડાએ યુટ્યુબ ચૅનલ પર T20 વર્લ્ડ કપ 2024 માટેની પોતાની ૧૫ ખેલાડીઓની સ્ક્વૉડ જાહેર કરી હતી. યુટ્યુબ પર માત્ર ૨૪ કલાકમાં વિડિયોને ૪.૪૫ લાખ વ્યુઝ મળ્યા હતા. આકાશ ચોપડાએ સંજુ સૅમસનને સ્થાને વિકેટકીપર તરીકે રિષભ પંત અને કે.એલ. રાહુલ પર પસંદગી ઉતારી હતી. હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરતાં ૪૬ વર્ષના આકાશ ચોપડાએ કહ્યું કે હાર્દિક એકમાત્ર એવો બૅટ્સમૅન છે જે ઝડપી બોલર તરીકે પણ વિકલ્પ પૂરો પાડે છે. શિવમ દુબેની પ્રશંસા કરતાં તેણે કહ્યું કે શિવમ દુબેને કોઈ કૅપ્ટન, ટીમ મૅનેજમેન્ટ અને સિલેક્ટર ઇગ્નૉર નહીં કરી શકે; કારણ કે શિવમ દુબે કરતાં સારો પાવર હિટર ભારત પાસે બીજો કોઈ નથી. 

આકાશ ચોપડાની ૧૫ સભ્યોની સ્ક્વૉડઃ રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, રિન્કુ સિંહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રિષભ પંત, કે.એલ. રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, દીપક ચહર, અર્શદીપ સિંહ.

ભારતને વર્લ્ડ કપ જિતાડી આપનાર ગૅરી કર્સ્ટન પાકિસ્તાનને બનાવી શકશે T20 ચૅમ્પિયન? 


વચગાળાના હેડ કોચના સહારે ચાલતી પાકિસ્તાન ક્રિકેટ ટીમને હવે દિગ્ગજ ખેલાડીઓનો સાથ મળશે. ૨૦૧૧માં ભારતીય ટીમને વન-ડે વર્લ્ડ કપ જિતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ગૅરી કર્સ્ટન હવે વાઇટ બૉલ ક્રિકેટમાં પાકિસ્તાનને ચૅમ્પિયન બનાવવાનો ટાર્ગેટ રાખશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગૅરી કર્સ્ટનને પાકિસ્તાનની વન-ડે અને T20 ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પી ટેસ્ટ-ક્રિકેટમાં હેડ કોચની જવાબદારી સંભાળશે. વિદેશી કોચનું અંગ્રેજી સારી રીતે સમજી શકે એ માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અઝહર મહમૂદને તમામ ફૉર્મેટ માટે ટીમના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત ટાઇટન્સના બૅટિંગ કોચ કર્સ્ટન બાવીસમી મેથી પાકિસ્તાનના ઇંગ્લૅન્ડ પ્રવાસની જવાબદારી સંભાળે એવી અપેક્ષા છે, જેમાં ચાર T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાશે. આ પછી ટીમ જૂનમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે રવાના થશે.

sports news cricket news t20 world cup ajit agarkar indian cricket team pakistan