પાકિસ્તાને એસીસીને કહ્યું, ‘અમને ચાર્ટર્ડ ફ્લાઇટ‍્સના ખર્ચનું વળતર પણ આપો’

29 November, 2023 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ એસીસીના ચીફ છે. એસીસીનું એવું કહેવું છે કે ‘પાકિસ્તાન જ પોતાના હાઇબ્રીડ મૉડલ હેઠળ પોતાની ચાર મૅચ પાકિસ્તાનમાં રાખવાના બદલામાં મોટા ભાગની મૅચો શ્રીલંકામાં રાખવા સહમત થયું હતું.

ઝાકા અશરફ અત્યારે પીસીબીના ચીફ છે.

ભારતમાં યોજાઈ ગયેલા વર્લ્ડ કપ પહેલાંના એશિયા કપનું સહ-યજમાન પાકિસ્તાન હતું અને એ આયોજન પાછળના કેટલાક પ્રકારના ખર્ચની રકમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) પાસે માગી લીધી છે, પરંતુ ગઈ કાલે કરાચીથી પીસીબીના એક આધારભૂત સૂત્રએ પી.ટી.આઇ.ને જણાવ્યું હતું કે પીસીબીએ એશિયા કપ દરમ્યાન પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ચાર્ટર્ડ ફ્લાઇટ‍્સ ઉડાડવા પાછળ જે ખર્ચ કર્યો હતો એનું વળતર પણ હવે માગી લીધું છે.

પીસીબીએ સૂચવેલા ‘હાઇબ્રીડ મૉડલ’ મુજબ જ એસીસીએ એશિયા કપની મોટા ભાગની મૅચો શ્રીલંકામાં રાખી હતી. ભારતની તમામ મૅચો શ્રીલંકામાં રમાઈ હતી. પીસીબીએ એસીસી પાસે ટુર્નામેન્ટના યજમાન બનવા બદલ ૨,૫૦,૦૦૦ ડૉલર (અંદાજે ૨.૦૮ કરોડ રૂપિયા) તો માગ્યા જ છે અને સ્ટેડિયમની ટિકિટો તથા સ્પૉન્સરશિપની ફીની માગણી તો કરી જ છે, હવે વધારાનું વળતર પણ માગ્યું છે. આ વળતરરૂપે પીસીબીએ પાકિસ્તાન-શ્રીલંકાની ટીમની અવરજવર માટેની ચાર્ટર્ડ ફ્લાઇટ‍્સની વ્યવસ્થા કરવા પાછળ જે ખર્ચ કર્યો હતો એ માગ્યો જ છે, હોટેલ તથા ટ્રાન્સપોર્ટ ફી તરીકે આપેલી રકમ પણ એસીસી પાસે માગી છે.

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ એસીસીના ચીફ છે. એસીસીનું એવું કહેવું છે કે ‘પાકિસ્તાન જ પોતાના હાઇબ્રીડ મૉડલ હેઠળ પોતાની ચાર મૅચ પાકિસ્તાનમાં રાખવાના બદલામાં મોટા ભાગની મૅચો શ્રીલંકામાં રાખવા સહમત થયું હતું. શ્રીલંકાની ક્લાસિક ટ્રાવેલ કંપનીને ચાર્ટર્ડ ફ્લાઇટ‍્સ ઉડાડવા પાછળના ખર્ચ પેટે ૨,૮૧,૦૦૦ ડૉલર (૨.૩૪ કરોડ રૂપિયા) ચૂકવવામાં આવ્યા હતા.

asia cup cricket news sports news board of control for cricket in india