07 January, 2023 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદીપના પાંચ નો-બૉલ ભારે પડ્યા
ગુરુવારે શ્રીલંકા સામેની બીજી ટી૨૦માં ટૉપ-ઑર્ડરની નિષ્ફળતા તથા મૅચની છેલ્લી ઓવર (જે શ્રીલંકાના કૅપ્ટન દાસુન શનાકાએ કરી હતી)માં ૨૧ રનની જરૂર હતી, પરંતુ મુખ્ય બૅટર્સ અક્ષર પટેલ (૩૧ બૉલમાં ૬ સિક્સર, ત્રણ ફોર સાથે ૬૫ રન) અને શિવમ માવી (૧૫ બૉલમાં બે સિક્સર, બે ફોર સાથે ૨૬ રન)ની બે વિકેટ પડતાં ફક્ત ચાર રન બની શક્યા હતા અને ભારતે પરાજય જોવો પડ્યો.
શ્રીલંકાના ૨૦૬/૬ સામે ભારતે ૧૯૦/૮ બનાવતાં ભારતનો ૧૬ રનથી પરાજય થયો હતો.
જોકે આ બે ઘટના ઉપરાંત કમૅબકમૅન અર્શદીપ સિંહના પાંચ નો-બૉલ પણ હાર માટે જવાબદાર કહી શકાય. શ્રીલંકાની ઇનિંગ્સની ૧૯મી ઓવરમાં અર્શદીપના બૉલમાં લૉન્ગ-ઑન પર ઊભેલા સૂર્યકુમારે દાસુન શનાકા (૫૬ અણનમ)નો કૅચ પકડ્યો હતો, પરંતુ એ ફુલ-ટૉસ ખરેખર તો નો-બૉલ હતો જેને લીધે શનાકા બચી ગયો હતો. અર્શદીપનો એ ચોથો નો-બૉલ હતો. બે બૉલ પછી અર્શદીપે ફરી નો-બૉલ ફેંક્યો હતો. એ અગાઉ મૅચના શરૂઆતના તબક્કામાં અર્શદીપના નો-બૉલને કારણે જ કુસાલ મેન્ડિસ (બાવન રન) હાફ સેન્ચુરી પૂરી કરી શક્યો હતો. એ પછી અર્શદીપે સતત ત્રણ નો-બૉલ ફેંક્યા હતા. ટૂંકમાં, અર્શદીપના શ્રેણીબદ્ધ નો-બૉલ વખતે મેન્ડિસે ફ્રી હિટમાં પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.
નો-બૉલ કે વાઇડ ફેંકવા કોઈ બોલરને ન ગમે, પરંતુ ભારતની ન્યુ-લુક ટીમમાં યુવાન ખેલાડીઓ હોવાથી ગુરુવારના કુલ ૭ નો-બૉલ જેવી ઘટના બનવી સ્વાભાવિક છે. જોકે બધાએ ધીરજ રાખવી પડશે. આ ટીમ જરૂર સુધારો બતાવશે. - રાહુલ દ્રવિડ
5
ગુરુવારે અર્શદીપે આટલા નો-બૉલ ફેંક્યા હતા અને એક ટી૨૦માં એક બોલરે આટલા નો-બૉલ ફેંક્યા હોવાનો આ પહેલો બનાવ હતો.
7
ગુરુવારે અર્શદીપના પાંચ ઉપરાંત ઉમરાન-માવીના એક-એક નો-બૉલ ગણતાં ભારતીય બોલર્સે કુલ આટલા નો-બૉલ ફેંક્યા હતા જે ફુલ મેમ્બર્સની ટી૨૦માં પહેલો બનાવ છે.