રિષભ પંતની ધોની સાથે સરખામણી યોગ્ય નહીં: શિખર ધવન

12 March, 2019 10:27 AM IST  | 

રિષભ પંતની ધોની સાથે સરખામણી યોગ્ય નહીં: શિખર ધવન

શિખર ધવન

છેલ્લા છ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિષ્ફળ રહેલા શિખર ધવને ઑસ્ટ્રેલિયા સામે રવિવારે મોહાલીમાં રમાયેલી ચોથી વન-ડેમાં કરીઅરની શ્રેષ્ઠ ૧૪૩ રનની ઇનિંગ્સ રમી, પરંતુ ભારતને જિતાડી ન શક્યો. ધવને યુવા ક્રિકેટર રિષભ પંતનો પણ બચાવ કર્યો હતો જેણે વિકેટકીપર તરીકે ઘણી બધી ભૂલો કરી હતી. છેલ્લી બે મૅચો માટે મહેન્દ્ર સિંહ ધોનીને બદલે ટીમમાં સ્થાન મેળવનાર રિષભે સ્ટમ્પિંગની આસાન તક ગુમાવી હતી. ધવને કહ્યું હતું કે ‘કોઈ પણ યુવા ખેલાડીને તમારે સમય આપવો પડશે. મારો કહેવાનો અર્થ એવો છે કે ધોની આટલાં વર્ષોમાં ઘણી બધી મૅચો રમ્યો છે. તમે તેની સાથે સરખામણી ન કરી શકો. હા, જો તેણે સ્ટમ્પિંગ કરી હોત તો કદાચ મૅચ પલટાઈ જતે. મૅચ બહુ ઝડપથી અમારા હાથમાંથી નિકળી ગઈ જેમાં ઝાંકળે મહત્વની ભૂમિકા ભજવી હતી.’

છેલ્લા છ મહિનાથી ધવનના ખરાબ પ્રદર્શનની ટીકા કરવામાં આવી રહી છે આવી ટીકાઓ પર તેની કેવી પ્રતિક્રિયા છે એવા સવાલના જવાબમાં ધવને કહ્યું હતું કે ‘હું ન્યુઝ પેપર નથી વાંચતો. મને ન ગમતી એવી કોઈ સૂચના તે લેવા નથી માગતો. મારી દુનિયામાં જ જીવું છું એથી માનસિક રીતે શાંત રહેવામાં મદદ મળે છે. મારી ધીરજને જાળવી શકું તો જ સારું પ્રદર્શન કરી શકું. દુ:ખી થવાથી કંઈ નહીં થાય. મને નથી ખબર કે લોકો શું કહે છે. હું સકારાત્મક રહેવાનો પ્રયાસ કરું છું. હકીકતનો સ્વીકાર કરું છું અને આગળ વધતો રહું છું.’

વન-ડેમાં પાંચ હજાર રન બનાવનાર ધવન માટે કઈ ત્રણ વસ્તુ મહત્વની છે એવા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘મારી તમામ કુશળતાનો ઉપયોગ કરું, મારી ફિટનેસની કાળજી રાખું તેમ જ મારા મનને શાંત રાખું જેથી આ તમામનો આનંદ ઉઠાવી શકું.’

shikhar dhawan ms dhoni cricket news sports news