15 April, 2026 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
IPL ટ્રોફી સાથે સાકિબ હુસેન ઍન્ડ ફૅમિલી, કલકત્તા ટીમના માલિક શાહરુખ ખાન અને ટ્રોફી સાથે પોઝ આપતો સાકિબ હુસેન.
બિહારના ગોપાલગંજનો રહેવાસી ૨૧ વર્ષનો સાકિબ હુસેન IPL-ડેબ્યુમાં ભારતીય તરીકે શાનદાર બોલિંગ-પ્રદર્શન કરનાર બોલર બન્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમીને તેણે રાજસ્થાન રૉયલ્સ સામે ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૪ વિકેટ લીધી હતી. તેણે યશસ્વી જાયસવાલ, ડોનોવન ફરેરા, જોફ્રા આર્ચર અને રવિ બિશ્નોઈને શિકાર બનાવ્યા હતા.
તેના પપ્પા ખેડૂત છે અને પરિવારનો તે એકમાત્ર કમાનાર છે. સાકિબ હુસેન ભારતીય સેનામાં જોડાવા માગતો હતો પરંતુ તેને સ્થાનિક ટેનિસ-બૉલ ક્રિકેટ રમવાની પ્રેરણા મળી. જેમ-જેમ તેની કરીઅર આગળ વધતી ગઈ એમ તેના પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેની મમ્મીના ઇન્ટરવ્યુનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેમણે ખુલાસો કર્યો હતો કે ‘સ્પાઇક્સ (ક્રિકેટ-શૂઝ) ખરીદવા માટે ૧૦-૧૫ હજાર રૂપિયાનું બજેટ અમારી પાસે નહોતું. અમે રોજ કમાઈને રોજ ખાનારા લોકો. એ સમયે મેં ઘરેણાં વેચીને તેને પહેલી ક્રિકેટ-શૂઝની જોડી ખરીદી આપી હતી.’
બિહાર માટે સાકિબ હુસેને ૧૭ વર્ષની ઉંમરે ડોમેસ્ટિક ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેને ચેન્નઈ સુપર કિંગ્સ માટે નેટ બોલર તરીકે બોલાવવામાં આવ્યો. ૨૦૨૪માં ૨૦ લાખ રૂપિયામાં કોલકાતા નાઇટ રાઇડર્સે તેને ટીમમાં સામેલ કર્યો હતો. એક પણ મૅચ ન રમ્યા છતાં તેને ચૅમ્પિયન કલકત્તા ટીમ સાથે ટ્રોફીને સ્પર્શ કરવાની તક મળી હતી. આ વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને ૩૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
કેવો રહ્યો છે ક્રિકેટ રેકૉર્ડ?
૬ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચમાં તેણે ૪.૧૪ની ઇકૉનૉમી રેટથી બોલિંગ કરીને ૧૬ વિકેટ લીધી છે. તેણે એક વખત મૅચમાં ૧૦ વિકેટ લીધી છે. ૧૩ T20 મૅચમાં તેણે ૯.૮૭ના ઇકૉનૉમી રેટથી બોલિંગ કરતાં ૧૪ વિકેટ લીધી છે.