30 August, 2023 10:21 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્ટરનેટ પર વાઇરલ થવા માટે લોકો અવનવા વિડિયો બનાવતા હોય છે ત્યારે એક યુટ્યુબરે બનાવેલો વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. એમાં વાઇરલ થવાની ઘેલછા રાખતા આ યુટ્યુબરે એક વિશાળકાય બ્લેન્ડર મશીનનું નિર્માણ કર્યું છે, જેમાં તે કોઈ શાકભાજી કે ફળ નહીં, પણ ટીવી-ફ્રિજ જેવી ઇલેક્ટ્રિક વસ્તુઓ અને રમતનાં સાધનો નાખી રહ્યો છે. હવામાંથી ગાડીઓ નાખવા જેવાં કરતબ માટે જાણીતી યુટ્યુબ ચૅનલ પર આ વર્લ્ડ્સ લાર્જેસ્ટ બ્લેન્ડર કૅપ્શન સાથેનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
યુટ્યુબર બ્રેટ સ્ટેનફર્ડ, ડૅરેક હેરોન અને સ્કૉટ ગનસન આ વિશાળકાય બ્લેન્ડરનો ઉગયોગ કરીને અસામાન્ય વસ્તુઓ એમાં નાખે છે. એ વિડિયો પાંચમી ઑગસ્ટે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે આ બ્લેન્ડર બનાવવાની આખી પ્રોસેસ બતાવી છે અને ત્યાર બાદ એનો ઉપયોગ પણ દેખાડ્યો છે, જેમાં પ્રથમ તેઓ નાની-નાની વસ્તુઓ નાખીને તેમનો ઉત્સાહ દર્શાવે છે કે એ બરાબર કામ કરી રહ્યું છે.
ત્યાર બાદ તેઓ પોતાનું ફ્રિજ નાખવાની ઇચ્છા વ્યક્ત કરે છે. જોતજોતામાં બ્લેન્ડરમાં ફ્રિજના ફુરચેફુરચા થતા દેખાય છે. જોકે ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો, ‘આવું શા માટે?’