06 August, 2024 03:37 PM IST | Tehran | Gujarati Mid-day Correspondent
ઝારા ઇસ્માઇલી
ઈરાનમાં એક યુવાન મહિલા ગાયિકા ઝારા ઇસ્માઇલીને ત્યાંના સુરક્ષા દળે કેદ કરી લીધી છે. તેનો ગુનો બહુ ગંભીર હતો. ઈરાનમાં એક તો વ્યક્તિ સ્વાતંત્ર્ય છે નહીં અને ઝારાએ મેટ્રો ટ્રેન અને પાર્ક જેવાં જાહેર સ્થળોએ ગીત ગાયાં અને એ પણ હિજાબ પહેર્યા વિના! આવા વિડિયો ‘ઍક્સ’ પર પોસ્ટ કરીને ઝારાએ લોકોનું સારુંએવું ધ્યાન ખેંચ્યું હતું એટલે તેની ધરપકડ કરી લેવામાં આવી. હવે તે ક્યાં છે એની કોઈને કશી જાણ નથી. ઝારાનો પરિવાર તેને શોધવા રઝળપાટ કરી રહ્યો છે પરંતુ કોઈ સગડ મળતા નથી. ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાન્તિ પછીથી ઈરાનમાં મહિલાઓને જાહેરમાં ગીત ગાવા કે નૃત્ય કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જોકે આ કાયદા છતાં કેટલીક ઈરાની મહિલાઓ નિયમને કોરાણે મૂકીને કળાનું પ્રદર્શન કરતી રહે છે. ધરપકડ થઈ હોય એવી ઝારા એકમાત્ર નથી. ૨૦૨૧માં રૅપર તુમાઝ સાલેહીને તેના ગીત ‘રેટહોલ’ માટે અને એપ્રિલ ૨૦૨૪માં તેને ‘કરપ્શન ઑન અર્થ’ માટે મૃત્યુદંડ થયો હતો.