16 February, 2025 02:35 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં એક નાના છોકરાએ પપ્પાના મોબાઇલમાંથી પોલીસને ફોન કરી પપ્પાની જ વિરુદ્ધ રિપોર્ટ કર્યો કે મારા ઘરમાં એક ખરાબ માણસે મારા પૈસા લૂંટી લીધા છે. પોલીસ થોડી જ વારમાં તેમના ઘરે પહોંચી. છોકરાએ પોલીસને થૅન્ક યુ કહીને તેના પપ્પા તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ બૅડ માણસને પકડી લો, તેણે મારા લકી-મની લઈ લીધા છે. છોકરાના પપ્પાએ પોલીસની માફી માગી અને પરિસ્થિતિ સમજાવી. પરંપરા મુજબ ચીનમાં નવા વર્ષ નિમિત્તે વડીલો અને સગાંસંબંધીઓ નાનાં બાળકોને સારા ભવિષ્યની શુભેચ્છારૂપે લાલ કવરમાં પૈસા મૂકીને આપે છે અને આ પૈસાને લકી માનવામાં આવતા હોવાથી મોટા ભાગનાં ઘરોમાં વડીલો બાળકોને મળેલા પૈસા લઈને સાચવીને મૂકતા હોય છે. આ પૈસા માટે ઝઘડો થવાથી નાના છોકરાએ પપ્પા વિરુદ્ધ પોલીસ બોલાવી લીધી. પોલીસે તેને સમજાવ્યું કે આ પૈસા તારા પપ્પા રાખશે અને તને જોઈએ ત્યારે આપશે અને તું પૈસા ક્યાં ખર્ચે છે એનો હિસાબ રાખજે.