મહિલામાંથી પુરુષ બન્યાનાં છ વર્ષ બાદ ફરી મહિલા બનશે

12 May, 2022 09:47 AM IST  |  Michigan | Gujarati Mid-day Correspondent

જોકે પુરુષમાં પરિવર્તિત થવાના પોતાના નિર્ણય માટે તેને જરાય અફસોસ નથી

આલિયા ઇસ્માઇલ

તબીબી દૃષ્ટિએ સંપૂર્ણપણે પુરુષમાં પરિવર્તિત થયાનાં છ વર્ષ પછી આલિયા ઇસ્માઇલ ફરીથી મહિલા તરીકે પરિવર્તિત થવા જઈ રહી છે.

અમેરિકાના મિ​શિગનની આલિયાને ૧૮ વર્ષે પોતે ટ્રાન્સજેન્ડર હોવાનું સમજાતાં તેણે પુરુષનું નામ અને પહેરવેશ અપનાવ્યા.

ત્યાર બાદનાં વર્ષોમાં આલિયાએ તેનું નામ ઇસા કર્યું તથા ૨૦ વર્ષની થઈ ત્યારથી તબીબી રીતે તેના જાતિપરિવર્તનની પ્રક્રિયા શરૂ કરાઈ. ઑગસ્ટ ૨૦૧૫માં તેણે કાનૂની રીતે પોતાનું નામ આલિયામાંથી બદલીને ઇસા કર્યું હતું.

જોકે જાતીય પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ૨૭ વર્ષની થયેલી આલિયાને લાગી રહ્યું છે કે તેની નવી પુરુષ તરીકેની ઓળખ તેની સાથે મેળ નથી ખાઈ રહી. તેણે ફરીથી પોતાની જાતને સ્ત્રીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો અને પોતાને મહિલા તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું.

જોકે પુરુષમાં પરિવર્તિત થવાના પોતાના નિર્ણય માટે તેને જરાય અફસોસ નથી. આ સમગ્ર ઘટનાને તે પોતાની જાત સાથે ઓળખ સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા તરીકે ઓળખાવે છે. આ વખતે પણ મારો પરિવાર તટસ્થ જ રહ્યો હતો એમ જણાવતાં આલિયાએ ઉમેર્યું હતું કે હું ઇચ્છું છું કે મારી વાત પરથી પોતાની ઓળખ સ્થાપિત કરવા માગતા લોકોને મદદ મળી રહે એ હેતુથી હું મારી કથની જણાવી રહી છું. 

offbeat news international news