21 June, 2024 04:05 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રાચીન કલાકૃતિ અને ઍના લી ડોઝિયર
અમેરિકાની એક મહિલાએ સેલમાંથી સસ્તામાં ખરીદેલી ફૂલદાની એક પ્રાચીન કલાકૃતિ નીકળી હતી. તેણે શૉપિંગ કરતી વખતે વિચાર્યું પણ નહીં હોય કે આ ફૂલદાનીનું સ્થાન તેના ઘરમાં નહીં, મ્યુઝિયમમાં છે. વૉશિંગ્ટન DCની ઍના લી ડોઝિયર પાંચ વર્ષ પહેલાં એક ચૅરિટી શૉપના ક્લિયરન્સ સેલ દરમ્યાન ૩૩૦ રૂપિયામાં ફૂલદાની ખરીદીને ઘરે લાવી હતી. તેને લાગતું હતું કે આ ૨૦ કે ૩૦ વર્ષ જૂની કોઈ વસ્તુ છે જે કોઈ પ્રવાસી લઈ આવ્યો હશે. જોકે તાજેતરમાં ઍના મેક્સિકોની મુલાકાતે ગઈ ત્યારે તેને ખબર પડી કે તેના ઘરે તો એક માયા સભ્યતાની પ્રાચીન કલાકૃતિ છે.
ઍનાએ જોયું કે મેક્સિકોના મ્યુઝિયમ ઑફ ઍન્થ્રૉપોલૉજીમાં મૂકવામાં આવેલી કેટલીક વસ્તુઓ તેના ઘરે રાખેલી ફૂલદાની જેવી જ છે. તેણે જિજ્ઞાસાપૂર્વક મ્યુઝિયમના અધિકારી સાથે વાત કરી ત્યારે તેમણે મેક્સિકન એમ્બેસીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. એમ્બેસીના અધિકારીઓએ કહ્યું કે આ ઈસ વીસન ૨૦૦થી ૮૦૦ વચ્ચેનું એક માયા સભ્યતાનું આર્ટિફેક્ટ છે. ત્યાર બાદ મહિલાએ ફૂલદાનીને અમેરિકામાં મેક્સિકન ઍમ્બૅસૅડરને સોંપી હતી જેને હવે મ્યુઝિયમ ઑફ ઍન્થ્રૉપોલૉજીમાં પ્રદર્શિત કરવામાં આવશે.