૧૦૫૮ વર્ષની સંયુક્ત વય ધરાવતાં ૧૨ ભાઈ-બહેનોએ રેકૉર્ડ તોડ્યો

01 October, 2022 12:01 PM IST  |  Madrid | Gujarati Mid-day Correspondent

સૌથી મોટા પુત્ર જોસનો જન્મ ૧૯૨૪માં થયો હતો તથા ૧૯૪૬માં સૌથી નાના લુઇસનો જન્મ થયો હતો

૧૦૫૮ વર્ષની સંયુક્ત વય ધરાવતાં ૧૨ ભાઈ-બહેનો

હર્નાન્ડેઝ-પેરેઝ પરિવારે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં એક અનોખી રીતે નામ નોંધાવ્યું છે. આ પરિવારનાં ૧૨ હયાત ભાઈ-બહેનોની સંયુક્ત ઉંમર ૧૦૫૮ વર્ષ અને ૨૪૯ દિવસની થાય છે. 
અગાઉનો રેકૉર્ડ ૨૦૨૦ વર્ષનો હતો, જ્યારે ડિક્રુઝ ભાઈ-બહેનોની કુલ ઉંમર ૧૦૪૨ વર્ષ અને ૩૧૫ દિવસ હતી, જે આ વર્ષના રેકૉર્ડની તુલનાએ ૧૬ વર્ષ ઓછી હતી.
સ્પેનના મોયા, ગ્રાન કૅનેરિયામાં રહેતા મોડેસ્ટો હર્નાન્ડેઝ અને માર્ટિના પેરેઝનાં બાર બાળકો આજે પણ અહીં જ રહે છે. મોડેસ્ટો અને માર્ટિનાના સાત પુત્રો અને પાંચ પુત્રીઓની વય લગભગ ૭૬થી ૯૮ વર્ષની વય વચ્ચે છે. 

સૌથી મોટા પુત્ર જોસનો જન્મ ૧૯૨૪માં થયો હતો તથા ૧૯૪૬માં સૌથી નાના લુઇસનો જન્મ થયો હતો. વચ્ચેનાં વર્ષોમાં જોસને એક ભાઈ પછી પાંચ બહેનો હતાં અને ત્યાર બાદ બીજા પાંચ ભાઈઓ હતા, જેમાં સૌથી નાનો લુઇસ ૧૯૪૬માં જન્મ્યો હતો.  

આ ઉનાળામાં આ ૧૨ ભાઈ-બહેનો શહેરમાં ફરી ભેગાં થયાં અને અહીં તેમણે નોટરી સમક્ષ તેમના રેકૉર્ડ-લાયક જન્મ પ્રમાણપત્રોની નોંધણી કરાવી હતી. આ રેકૉર્ડને માન્યતા મળી તથા સપ્ટેમ્બર ૨૦૨૨માં તેનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૨ ભાઈ-બહેનના આ પરિવારનું કહેવું છે કે તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે તેઓ વિશ્વ રેકૉર્ડ બનાવશે. 
તેમના જણાવ્યા અનુસાર પરિવારના રીયુનિયન વખતે સ્થાનિક અખબારમાં ‘એક પરિવારનાં ૧૨ ભાઈ-બહેનોની સંયુક્ત ઉંમર ૧૦૦૦ વર્ષ કરતાં વધુ’ શીર્ષક હેઠળ આર્ટિકલ છપાયા બાદ તેમણે તમામ દસ્તાવેજો એકઠા કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સનો સંપર્ક કર્યો હતો. 

offbeat news international news