07 August, 2024 02:52 PM IST | Wayanad | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આપણને એવું લાગતું હોય છે કે પ્રાણીઓને આપણી વાતમાં શી સમજ પડે, પણ જો લાગણીથી કહેવાઈ હોય તો પ્રાણીને પણ માણસની વાતમાં સમજ પડે. વાયનાડના ચૂરલમાલા ગામની મહિલાનો કિસ્સો આવો જ છે. ચૂરલમાલા ગામ ભૂસ્ખલનની આફત વેઠી રહ્યું છે. ગામની મહિલા સુજાતાનું મકાન દટાઈ ગયું છે. ગામ તો જાણે દરિયો બની ગયું હોય એમ પાણી હિલોળા લેતું હતું. જેમ-તેમ કરીને પુત્ર ગિગીશ, પુત્રવધૂ સુજિતા, પૌત્ર સૂરજ અને પૌત્રી મૃદુલા સાથે સુજાતા જીવ બચાવવા ત્યાંથી ભાગ્યાં. માંડ-માંડ સૂકા મેદાન પર આવ્યાં. કૉફીના બગીચામાં પહોંચ્યાં ત્યારે ‘આસમાન સે ગિરે, ખજૂર મેં અટકે’ જેવું થયું. એ પરિવારની સામે જંગલી હાથી ઊભો હતો. ટસ્કર તરીકે ઓળખાતા જંગલી હાથીઓ મોટા ભાગે માનવો પર હુમલો કરતા હોય છે. આ હાથી પણ એવો જ હતો. સુજાતા અને તેના પરિવારને થયેલો હાશકારો ફરી ચિંતામાં પલટાયો. એવામાં હાથીને આજીજી કરવાનો સુજાતાને વિચાર આવ્યો. હાથી સામે ઘૂંટણિયે પડીને બે હાથ જોડ્યા અને કહ્યું, ‘અમે બહુ મોટી મુસીબતમાંથી માંડ બચીને આવ્યાં છીએ. અમે ડરી ગયાં છીએ. ક્યાંય કોઈ આશાનું કિરણ જડતું નથી, ચારેકોર પાણી છે. અમે જેમતેમ કરીને તરીને આવ્યાં છીએ. કૃપા કરીને અમારા પર દયા કરો.’
વિનંતી કરીને સુજાતાએ આંખ ખોલી ત્યારે હાથીની આંખમાંથી અશ્રુધારા વહેતી જોઈ. હાથી ત્યાં જ સ્થિર થઈ ગયો અને સવાર સુધી એમ જ ઊભો રહ્યો. બીજા દિવસે સવારે બચાવ-કર્મચારીઓ સુજાતા અને તેના પરિવારને રાહત-છાવણીમાં લઈ ગયા, પણ સુજાતાને તો ગજરાજ એ ઈશ્વરે મોકલેલા ‘સુરક્ષા-કર્મચારી’ જ લાગ્યા.