૧૨ ઉલ્કાઓના નમૂના જડેલી ઘડિયાળે બનાવ્યો રેકૉર્ડ, કિંમત માત્ર બે કરોડ

03 October, 2023 08:30 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

આ ઉલ્કાઓમાં પથ્થર તથા ધાતુના દુર્લભ ટુકડાઓ છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તાજેતરમાં લે અટુલ્યેઇ, લુઇ મોને કંપની દ્વારા ચંદ્ર, મંગળ અને અવકાશમાંથી મળેલી ઉલ્કાઓના નમૂનાઓને જડીને બનાવવામાં આવેલી એક દીવાલ ઘડિયાળે નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ ઉલ્કાઓમાં પથ્થર તથા ધાતુના દુર્લભ ટુકડાઓ છે જે અવકાશમાંથી પૃથ્વી પર પડતા હોય છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ દ્વારા ૩૦ સપ્ટેમ્બરના આ ઘડિયાળના વિડિયોને શૅર કરવામાં આવ્યો છે. ઘડિયા‍ળ બનાવતી કંપનીએ ચંદ્ર, મંગળ અને મેક્સિકોમાં થતી ઉલ્કાવર્ષામાંથી મળેલા ખડકોનો આ ઘડિયાળમાં સમાવેશ કર્યો છે. કૉસ્મોપોલિસ નામની ઘડિયાળમાં ૧૨ ઉલ્કાઓની પૅટર્ન છે જે ખૂબ જ દુર્લભ અને કીમતી છે. વળી દરેક ઉલ્કાને મીટિઓરિટિકલ સોસાયટી દ્વારા સર્ટિફાઇ કરવામાં આવી છે. ૧૨ ઉલ્કાઓના નમૂનાઓને ઘડિયાળમાં જડતાં પહેલાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ઉલ્કાઓની સુંદરતામાં વધારો થાય. ૧૮ કૅરેટ ગોલ્ડ કેસમાં ઉલ્કાઓના નમૂનાને ફિટ કરવામાં આવ્યા છે જેનો ડાયામીટર ૪૦ મિલીમીટરનો છે. વળી ઉલ્કાના નમૂનાઓને કાપતી વખતે એનામાં કોઈ નુકસાન ન થાય એની પણ કાળજી રાખવામાં આવી છે. આ ઘડિયાળની કિંમત ૨,૪૬,૯૦૧ ડૉલર અંદાજે બે કરોડ રૂપિયાની છે.

mexico offbeat news international news world news