26 May, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંપલ પકોડા
બાળપણમાં મમ્મીના હાથનું ચંપલ તો ઘણાએ ખાધું હશે, પણ એ મોટા ભાગે પીઠ પર વાગ્યું હશે. જોકે સોશ્યલ મીડિયા પર વાઇરલ એક વિડિયો જોઈને એવું લાગે છે કે તમારે હકીકતમાં ચંપલ ખાવું હશે તો એ ખાઈ પણ શકાશે. આ વિડિયોમાં એક મહિલા ચંપલ શેપના પકોડા તળી રહી છે. એક તરફ બ્રાઉન કલરનાં તળેલાં ચંપલનો ઢગલો પડ્યો છે અને તેલમાં સ્લિપર શેપના પકોડા તળાઈ રહ્યા છે. જોઈને ખરેખર એવું લાગે છે કે આ નકલી તો નહીં હોયને? આજકાલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી કંઈ પણ ચિત્રવિચિત્ર ફોટો અને વિડિયો તૈયાર કરી શકાય છે, પરંતુ આ વિડિયો નકલી હોય એવું પહેલી નજરે તો નથી લાગતું. એને કારણે સોશ્યલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે આ ચંપલ ખાવાં હોય તો ક્યાં મળે છે એ તો જણાવો? કોઈકે લખ્યું છે કે મમ્મીના હાથનાં ચંપલ તો બધાએ ખાધાં હશે, પણ આ ચંપલ પકોડાનો સ્વાદ પણ જાણવો જોઈએ.