ચીનમાં કારના બોનેટ પર જીવતી માછલીઓનું મિની ઍક્વેરિયમ બનાવવાનો ટ્રેન્ડ

31 July, 2025 02:50 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચાઇનીઝ સોશ્યલ મીડિયામાં આવા અનેક વિડિયો જોવા મળે છે અને હવે તો એ ટ્રેન્ડમાં હોવાથી લોકો એની નકલ કરવામાં પાછા નથી પડતા. જોકે આવું કરવાનું શરૂ કોણે કર્યું?

કારના બોનેટ પર જીવતી માછલીઓનું મિની ઍક્વેરિયમ બનાવવાનો ટ્રેન્ડ

કાર ખરીદીને એમાં પોતાની રીતનું મૉડિફિકેશન કરવાનું ચલણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બહુ ફૂલ્યું-ફાલ્યું છે. જોકે ચીનમાં આજકાલ અત્યંત વિ‌ચિત્ર કારો જોવા મળે છે. એમાં કારના બોનેટ પર પારદર્શક પ્લાસ્ટિકની પરત લગાવીને એની નીચે પાણીમાં જીવતી માછલીઓને ભરીને ઍક્વેરિયમ બનાવવામાં આવે છે. કારની ઉપર રંગબેરંગી માછલીઓ ફરતી હોય એ દેખાવમાં આકર્ષક પણ લાગે છે. પહેલી નજરે આ તસવીરો કે વિડિયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત હોય એવું લાગી શકે, પણ એવું જરાય નથી. હકીકતમાં કારપ્રેમીઓ બોનેટ અને સાઇડના દરવાજાઓ પર પ્લાસ્ટિકની પરત લગાવીને એની અંદર પાણી સાથે જ નાની-મોટી માછલીઓ ભરી દે છે. પાણી વધુ ભરવાથી એ પ્લાસ્ટિક ફૂલેલું રહે છે અને પછી એની બીજી કિનારીને પણ સીલ કરી દેવામાં આવે છે. ચાઇનીઝ સોશ્યલ મીડિયામાં આવા અનેક વિડિયો જોવા મળે છે અને હવે તો એ ટ્રેન્ડમાં હોવાથી લોકો એની નકલ કરવામાં પાછા નથી પડતા. જોકે આવું કરવાનું શરૂ કોણે કર્યું?

આ ક્રીએટિવિટી કે ક્રૂરતાનું શ્રેય જાય છે મિસ્ટર લિયુ નામના એક ભાઈને. આ ભાઈસાહેબ એક વાર માછલી પકડવા ગયા, પણ સાથે માછલીને મૂકવા માટેની બાલદી લેવાનું ભૂલી ગયા. માછલીઓ પકડ્યા પછી હવે એમને રાખવી ક્યાં? તેમને અચાનક વિચાર આવ્યો કે કારના હુડની નીચેની ખાલી જગ્યામાં પાણી અને માછલી બન્ને મૂકી શકાય એમ છે. લિયુની કાર પર પહેલેથી જ રંગ બદલે એવી ફિલ્મ લાગેલી હતી. લિયુભાઈનું કહેવું છે કે તેમણે તો આવું એક જ વાર કરવાનું વિચારેલું, પણ થયું કે આવી કરામત કેવી લાગે છે એના અખતરા માટે તેણે નાનો વિડિયો રેકૉર્ડ કરી લીધો અને સોશ્યલ મીડિયા પર મૂકી દીધો. જોકે એ વિડિયોની સાથે તેમણે એ સૂચના પણ લખી હતી કે માછલીઓને આવી રીતે ભરીને હું કાર નથી ચલાવવાનો. અને હા, તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે આવા સ્ટન્ટની નકલ પણ ન કરવી. જોકે આજની દુનિયામાં જે ન કરવાનું કહેવામાં આવે એ જ બધાને કરવું હોય છે. લિયુભાઈ હવે સોશ્યલ મીડિયા પર ચિલ્લાઈ-ચિલ્લાઈને કહી રહ્યા છે કે આવું કરવું માછલીઓ માટે સેફ નથી, પરંતુ નકલ કરનારાઓ એ સાંભળતા નથી. લોકો પોતાની કારના બોનેટ પર માછલીઓ ભરી-ભરીને વિડિયો અપલોડ કરી રહ્યા છે.

china international news news world news offbeat news social media viral videos