ઈશુએ કહ્યું છે એમ કહીને ૩૭,૦૦૦ ફુટ ઊંચે ઊડતા વિમાનનો દરવાજો ખોલવાનો મહિલાએ કર્યો પ્રયાસ

01 December, 2022 10:49 AM IST  |  Austin | Gaurav Sarkar

વિમાનમાં સવાર એક મુસાફરે કહ્યું કે ઘણા મુસાફરો મહિલાને પકડવા દોડ્યા હતા.

ઈશુએ કહ્યું છે એમ કહીને ૩૭,૦૦૦ ફુટ ઊંચે ઊડતા વિમાનનો દરવાજો ખોલવાનો મહિલાએ કર્યો પ્રયાસ

અમેરિકામાં આકાશમાં ઊડી રહેલા વિમાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ એક મહિલાએ કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા મુસાફરની ઓળખ એલોમ એગબેગ્નિનો તરીકે થઈ હતી. આ ઘટના બની ત્યારે વિમાન ટેક્સસ રાજ્યના હ્યુસ્ટન શહેરથી ઓહિયોના કોલંબસ શહેર જઈ રહ્યું હતું. અન્ય મુસાફરોએ ભેગા મળીને મહિલાને પકડી લીધી હતી. ઍરપોર્ટ પર લૅન્ડિંગ બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાએ વિમાન અંદાજે ૩૭,૦૦૦ ફુટ ઉપર હતું ત્યારે એનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એક ફ્લાઇટ અટેન્ડન્ટને પણ ધક્કો માર્યો હતો અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક મુસાફરે તેને પકડી લીધી હતી. પાઇલટે વિમાનનો રૂટ બદલીને એનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવ્યું હતું.

પોલીસ-રિપોર્ટમાં જણાવ્યું હતું કે મહિલા જ્યારે દરવાજો ખોલવાનો પ્રયાસ કરતી હતી ત્યારે તે ઈશુએ તેને ઓહિયો જવા માટે અને પ્લેનનો દરવાજો ખોલવાનું કહ્યું છે, એવું તે સતત બબડતી હતી. સીટ પરથી ઊઠ્યા બાદ તે દરવાજા પાસે ગઈ હતી તથા ઘણા સમય સુધી દરવાજાને જોઈ રહી હતી. ફ્લાઇટ અટેન્ડન્ટે તેને શૌચાલયનો ઉપયોગ કરવા અથવા તેની સીટ પર જઈને બેસી જવાનું કહ્યું હતું, પરંતુ તેણે ના પાડી હતી અને બારીમાંથી બહાર જોવાનું શરૂ કર્યું હતું. થોડી વાર બાદ તેણે અટેન્ડન્ટને ધક્કો મારીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. વિમાનમાં સવાર એક મુસાફરે કહ્યું કે ઘણા મુસાફરો મહિલાને પકડવા દોડ્યા હતા. મને એમ લાગ્યું કે વિમાન તૂટી પડશે, પરંતુ આવી શક્યતા ઘણી ઓછી હતી. જે વ્યક્તિએ મહિલાને પકડી હતી તેની જાંઘ પર મહિલા વારંવાર કરડી હતી. મહિલા કોઈ પાદરીને મળવા માટે જઈ રહી હતી. વળી તેની પાસે કોઈ સામાન પણ નહોતો.

offbeat news texas international news jesus christ