પતિના મૃત્યુનો આઘાત એટલો કે પત્નીએ ૮ મહિનાથી પતિની કબરને જ ઘર બનાવી લીધું હતું

03 February, 2026 10:34 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

તેના પતિનું મૃત્યુ થયું એ પછી તેને એટલો આઘાત લાગ્યો છે કે તે પતિની કબર પાસેથી ખસવા તૈયાર નથી

રિયા હોમ્સ અને તેનો પતિ

અમેરિકામાં એક મહિલા છેલ્લા આઠ મહિનાથી કબ્રસ્તાનમાં જ ઘર બનાવીને રહેતી હતી. વાત એમ છે કે તેના પતિનું મૃત્યુ થયું એ પછી તેને એટલો આઘાત લાગ્યો છે કે તે પતિની કબર પાસેથી ખસવા તૈયાર નથી. પંચાવન વર્ષની રિયા હોમ્સ નામની આ મહિલા ન્યુ યૉર્કના સિરેક્યુઝ શહેરમાં એક કબ્રસ્તાનમાં જ રહેતી હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. પતિ ગયા પછી તે એટલી ડિપ્રેશનમાં સરી પડી કે તેનું કામમાં ધ્યાન ન રહેતું હોવાથી તેની નોકરી છૂટી ગઈ. તે આખો દિવસ પતિની કબર પાસે જ બેસી રહેતી હતી. જોકે નોકરી ન હોવાથી થોડા જ સમયમાં ઘરનું ભાડું ભરી શકાય એટલા રૂપિયા પણ ન રહેતાં તેણે ઘર ખાલી કરી દેવું પડ્યું. એ પછી તો તેની પાસે ઘરનું છાપરું ન રહેતાં રિયા રાતે પણ કબ્રસ્તાનમાં જ રહેવા લાગી. જ્યારે પોલીસને જાણ થઈ કે એક મહિલા દિવસ-રાત કબ્રસ્તાનમાં જ રહે છે ત્યારે પહેલાં તો તેની ધરપકડ કરી લીધી. જોકે માનસિક રીતે ભાંગી પડેલી આ મહિલાને જોઈને પોલીસે મહિલા સંસ્થાઓની મદદથી ફન્ડ એકત્ર કર્યું અને તેને રહેવા માટે ઘર અપાવીને મેન્ટલ રીહૅબિલિટેશનનું કામ કર્યું છે. 

offbeat news international news world news united states of america